Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હોંગકોંગનું આઇકોનીક ફલોટીંગ રેસ્‍ટોરન્‍ટ ૪૬ વર્ષ પછી થયુ બંધ

કોરોના મહામારી પછી રોકાણકારોના અભાવે ખુલી ના શકયું: કવીન એલિઝાબેથ, ટોમ ક્રુઝ જેવી હસ્‍તીઓ મુલાકાત લઇ ચુકેલા

નવી દિલ્‍હીઃ હોંગકોંગનું આઇકોનીક જંબો ફલોટીંગ રેસ્‍ટોરંટ વર્ષો સુધી પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર રહયું. કેન્‍ટોનીઝ ફુડ માટેનું ૧૯૭૬માં ખુલેલુ આ રેસ્‍ટોરન્‍ટ વર્ષો સુધી હોંગકોંગની ફરવા લાયક જગ્‍યાઓમાં સામેલ રહયું અને તેની મુલાકાત લેનારાઓમાં કવીન એલીઝાબેથ અને હોલીવુડ સુપર સ્‍ટાર ટોમ ક્રુઝ જેવા નામો સામેલ છે. આ જુના રેસ્‍ટોરન્‍ટને બચાવવા માટેના ઘણા પ્રયત્‍નો છતા આખરે મંગળવારે તેને હોંગકોંગના એબરડીન હાર્બરથી ટો કરીને દુર કરી દેવાયું. કોરોના મહામારીના પીક વખતે બંધ થયેલા તેના દરવાજા ફરીથી ખુલી જ ના શકયા. જો કે તેને ચાલુ કરવા માટેના ઘણા પ્રયાસો કરાયા પણ તેના માલીકોને તે ફરીથી ખોલવા માટે રોકાણકાર ના મળી શકયા.

આ રેસ્‍ટોરન્‍ટના માલીક એબરડીન રેસ્‍ટોરન્‍ટ એન્‍ટરપ્રાઇઝે મીડીયાને જણાવ્‍યું હતું કે આને ચાલુ રાખવાનો ખર્ચ દિન બદિન વધી રહયો હતો અને તેમાં વધુ નાણા નાખવા અમારા માટે અશકય હતા. કપની રેસ્‍ટોરન્‍ટના મેઇન્‍ટેનન્‍સ અને ઇન્‍સ્‍પેકશન ખર્ચ પેટે દર વર્ષે લાખો ડોલર વાપરતી હતી અને આવક પુરતી નહોતી થતી. કંપનીએ કહયું કે અમને નથી લાગતુ કે નજીકના ભવિષ્‍યમાં ધંધો શરૂ થાય. આ તરતા રેસ્‍ટોરંટને સંખ્‍યાબંધ બોટની મદદથી ટો કરીને લઇ જવાયુ ત્‍યારે સ્‍થાનીક લોકોનું એક નાનકડુ ટોળુ તેના વિદાય સમારંભમાં ભેગુ થયું હતું. એ પહેલા ઘણા બધા સ્‍થાનીક નેતાઓએ સરકારી રોકાણ દ્વારા આ રેસ્‍ટોરંટને બચાવવા માટેની ઇચ્‍છા વ્‍યકત કરી હતી પણ તેનો વિચાર હોંગકોંગના ચીફ એકઝીકયુટીવ કેરી લામે નહોતો સ્‍વીકાર્યો.

(3:56 pm IST)