Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અગ્નિપથ યોજનાને લઇને દેશના યુવાનોમાં અસમંજસની સ્થિતિઃ સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પત્ર પાઠવીને ભાજપ સાંસદ વરૂણ ગાંધીઍ સવાલો ઉઠાવ્યા

આ યોજનાથી બેરોજગારોની સંખ્યા વધશે અને યુવાનોમાં અસંતોષ ફેલાશે

નવી દિલ્હીઃ મોદી સરકાર તરફથી મંગળવારે સેના ભરતી માટે અગ્નિપથ સ્કિમની જાહેરાત કરવામાં આવી હતી, તે બાદથી જ આ સ્કિમને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે. ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ આ યોજનાને લઇને એક મોટુ પગલુ ભર્યુ છે. વરૂણ ગાંધીએ આ સ્કિમને લઇને દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે.

સંરક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રની જાણકારી વરૂણ ગાંધીએ ટ્વિટર પર આપી છે. વરૂણ ગાંધીએ લખ્યુ, અગ્નિપથ યોજનાને લઇને દેશના યુવાઓના મનમાં કેટલાક સવાલ છે. યુવાઓને અસમંજસની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે સરકાર યોજના સાથે જોડાયેલા નીતિગત તથ્યો સામે મુકીને પોતાનો પક્ષ સ્પષ્ટ કરે, જેનાથી દેશની યુવા ઉર્જાનો સકારાત્મક ઉપયોગ સાચી દિશામાં થઇ શકે.

પત્રમાં વરૂણ ગાંધીએ લખ્યુ છે કે કેટલાક મહત્વપૂર્ણ સવાલ યુવાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી મને શેર કર્યા છે. સેનામાં 15 વર્ષની નોકરી પછી રિટાયર થયેલા નિયમિત સૈનિકોને કોર્પોરેટ સેક્ટર નિયુક્ત કરવામાં વધુ રસ દાખવતા નથી. એવામાં 4 વર્ષના સમયગાળા પછી અગ્નિવીરોનું શું થશે.

તેમણે લખ્યુ કે ખેડૂત પરિવાર, મધ્યમવર્ગ અને નિમ્ન વર્ગમાંથી આવનારા અગ્નિવીરોને સરકાર દ્વારા નિર્ધારિત ઓછા વેતનને કારણે ઘર ચલાવવામાં આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માત્ર 6 મહિનાની ટ્રેનિંગ પછી આ સૈનિકોને કારણે વર્ષો જૂની રેજિમેન્ટલ સંરચનામાં વિક્ષેપ પડી શકે છે.

આ યોજનાને લાગુ થવા પાછળ દર વર્ષે ભરતી કરવામાં આવલા યુવામાંથી 75 ટકા ચાર વર્ષ પછી ફરી બેરોજગાર બની જશે. દર વર્ષે આ સંખ્યા વધતી જશે. જેનાથી દેશના યુવાઓમાં અસંતોષ વધશે.

(5:37 pm IST)