Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

લશ્કરમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં વિરોધ વંટોળ : બિહાર, યુપી, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા : કૈમુરમાં વિદ્યાર્થીઓએ ઇન્ટરસિટી એક્સપ્રેસને આગ લગાવી દીધી : 22 ટ્રેનો રદ કરવાની ફરજ પડી : બિહારથી શરૂ થયેલ આ આંદોલનની આગનો દેશના વિવિધ રાજ્યોમાં ફેલાવો

ન્યુદિલ્હી : સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશમાં દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. બિહાર, યુપી, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.
મંગળવારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને બુધવારે સવારે બિહારના ઘણા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ તેની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. એટલું જ નહીં, ગુરુવારે ફરી એકવાર મુંગેર, કૈમુર, સહરસા, છપરા સહિત અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા છે.
કૈમુરમાં વિદ્યાર્થીઓએ ઇન્ટરસિટી એક્સપ્રેસને આગ લગાવી દીધી અને ઘણી જગ્યાએ તેઓ રોડ બ્લોક કરીને ટાયરો સળગાવીને વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે. યુપીના બરેલીમાં સેનાની તૈયારી કરી રહેલા યુવાનોએ વિરોધ શરૂ કર્યો છે. બિહારથી શરૂ થયેલ આ આંદોલનની આગ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાઈ રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(7:46 pm IST)