Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હવે ED સોમવારે રાહુલ ગાંધીની પૂછપરછ કરશે :નવા સમન્સ જારી કરવામાં આવશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગણી સ્વીકારી લીધી

નવી દિલ્હી :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગણી સ્વીકારી લીધી છે. હવે ED સોમવારે રાહુલ ગાંધીની પૂછપરછ કરશે. આ માટે નવા સમન્સ જારી કરવામાં આવશે. નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ED છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી રાહુલની લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી છે.

રાહુલ ગાંધી શુક્રવારે ઇડીની પૂછપરછમાં હાજરી આપવા માંગતા ન હતા. આ માટે તેમના વતી અપીલ કરવામાં આવી હતી કે આ તપાસ સોમવારે કરવામાં આવે. હવે EDએ રાહુલની આ માંગને સ્વીકારી લીધી છે. સોમવારે પૂછપરછ માટે રાહુલ ગાંધીને નવેસરથી સમન્સ જારી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી છે. બુધવારે પણ EDએ તેમની 10 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. તેમને પહેલા કહેવામાં આવ્યું હતું કે તેમણે શુક્રવારે ફરીથી ED ઓફિસ આવવું પડશે.

ત્રણ દિવસની પૂછપરછની વાત કરતા ઈડીએ કોંગ્રેસના નેતાને અનેક સવાલો પૂછ્યા છે. કોલકાતાની તે ડોટેક્સ કંપનીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. તે કંપની વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે વર્ષ 2010માં યંગ ઈન્ડિયાને એક કરોડ રૂપિયાની લોન આપી હતી. ભાજપનો આરોપ છે કે યંગ ઈન્ડિયાએ ક્યારેય તે લોન ચૂકવી નથી.

નોંધનીય છે કે રાહુલ પાસે તે કંપની વિશે પૂછવામાં આવતા પ્રશ્નોનોના સ્પષ્ટ જવાબ નથી. રાહુલ ગાંધી બીજા ઘણા સવાલોના જવાબ એક સરખા જ આપી રહ્યા છે. જેના કારણે તપાસની પ્રક્રિયા લાંબી અને ધીમી થઈ રહી છે. અગાઉ રાહુલ ઈચ્છતા હતા કે આ તપાસ મંગળવાર સુધીમાં પૂરી થઈ જાય, પરંતુ ED પાસે પ્રશ્નોની લાંબી યાદી છે જે હજુ પૂરી થઈ નથી.

જ્યારથી રાહુલ ગાંધીની EDની પૂછપરછ શરૂ થઈ છે ત્યારથી કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર હંગામો મચાવ્યો હતો. પોલીસ સાથેના તેના સંઘર્ષના દરરોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. ઘણા નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે, ઘણાને ઈજા પણ થઈ છે. પરંતુ દરેક વ્યક્તિ રાહુલ ગાંધીને ગમે તે ભોગે સમર્થન આપવાની વાત કરી રહ્યા છે.

(11:07 pm IST)