Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં ધરખમ વધારો: છેલ્લા 14 વર્ષના ટોચની સપાટીએ પહોંચ્યા આંકડા

સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક આંકડા અનુસાર વર્ષ 2021માં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા જમા થયેલ રકમ આ વર્ષે 50 ટકા વધીને 30,500 કરોડ રૂપિયા થઈ ગઈ

નવી દિલ્હી : સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક આંકડા અનુસાર, વર્ષ 2021માં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા જમા કરવામાં આવેલી રકમ આ વર્ષે 50 ટકા વધીને 30,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ જમા રકમ છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2020માં આ આંકડો 20,700 કરોડ રૂપિયા હતો. સતત બીજા વર્ષે ડિપોઝિટમાં વધારો જોવા મળ્યો છે. તેમાં સિક્યોરિટીઝ અને અન્ય સમાન સાધનો સાથેની થાપણોનો પણ સમાવેશ થાય છે. ડેટા અનુસાર  ભારતીયોના બચત અને ચાલુ ખાતામાં જમા રકમ રૂ. 4,800 કરોડની સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે શરૂઆતના બે વર્ષ સુધી તેમાં ઘટાડો થતો રહ્યો હતો.

સ્વિસ નેશનલ બેંક (SNB) એ જણાવ્યું છે કે 2021 ના અંત સુધીમાં ભારતીય ગ્રાહકો પર 30,839 કરોડ રૂપિયા (3831 કરોડ સ્વિસ ચલણ-CHF) ની જવાબદારીઓ હતી. જેમાં ખાતામાં 4,800 કરોડ રૂપિયા જમા થયા છે. 2020માં તે 4,000 કરોડ રૂપિયા હતી. અન્ય બેંકો દ્વારા રૂ. 9,760 કરોડ જમા કરવામાં આવ્યા હતા, જે 2020માં રૂ. 3,064 કરોડ હતા. ટ્રસ્ટ દ્વારા 2.40 કરોડ જમા કરવામાં આવ્યા હતા.

બેંકે કહ્યું કે મહત્તમ રકમ બોન્ડ્સ, સિક્યોરિટીઝ અને અન્ય સાધનો દ્વારા જમા કરવામાં આવે છે, જે લગભગ 16,000 કરોડ રૂપિયા છે. 2006માં અહીં ભારતીયોની સૌથી વધુ રકમ જમા થઈ હતી, જે 52,000 કરોડ રૂપિયાની નજીક હતી. જે બાદ તેમાં ઘટાડો થયો હતો. જોકે, 2011, 2013, 2017, 2020 અને 2021માં તેમાં વધારો જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2019 અને 2020માં ચારેય ઘટકોમાં ઘટાડો થયો હતો. જ્યારે 2021માં તમામમાં વધારો થયો હતો.

(12:16 am IST)