Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ચીને તાઈવાન પર નવું શ્વેતપત્ર બહાર પાડ્યું : કહ્યું - જો તાઇવાન શાંતિપૂર્ણ રીતે નહીં માને તો બળજબરીથી કબજો કરીશું

ચીને તાઇવાનને મુખ્ય ભૂમિ સાથે જોડવાની ધમકીઓ આપી : જો તાઈવાન વિરોધ કરશે તો સૈન્ય બળનો ઉપયોગ કરવામાં આવશે- ચીનની ધમકી

નવી દિલ્લી તા.15 : તાઈવાન મુદ્દે ચીને ફરી એકવાર ધમકી આપી છે. જારી કરાયેલા શ્વેતપત્ર અનુસાર ચીને કહ્યું છે કે, તે હવે તાઈવાન ટાપુને તેની મુખ્ય ભૂમિ સાથે જોડશે. જો આ શાંતિપૂર્ણ રીતે નહીં થાય, તો તે તેના લશ્કરી બળનો ઉપયોગ કરશે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) દ્વારા જારી કરાયેલા આ પત્રમાં ચીને ફરી એકવાર સ્વશાસિત ટાપુ તાઈવાનને પોતાનો ભાગ જાહેર કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમે શાંતિપૂર્ણ સંઘ માટે પ્રયાસ કરીએ છીએ. જો તાઈવાન આનો વિરોધ કરશે તો અમે બળનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરીશું.

તાઈવાનના મુદ્દે ચીનનું આ ત્રીજું શ્વેતપત્ર છે. પ્રથમ શ્વેતપત્ર 1993માં બહાર આવ્યું હતું. જેમાં તાઈવાનને સ્વાયત્તતા આપવાની સાથે અન્ય ઘણા વચનો આપવામાં આવ્યા હતા. આ પછી 2000માં બીજું શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ચીને વચન આપ્યું હતું કે, ચીની સૈનિકો તાઈવાનની મધ્ય રેખાને પાર નહીં કરે. આ વખતના શ્વેતપત્રમાં ચીને તાઈવાનને મુખ્ય ભૂમિ સાથે જોડવાની વાત કરી છે.

યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની ધરતી પર પગ મૂક્યા બાદ ચીનની સૈન્ય કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પેલોસીની મુલાકાત બાદ ચીને તેની સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ કરી છે. ચીન 'વન ચાઈના પોલિસી' હેઠળ તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે. એટલા માટે ચીને પેલોસીની મુલાકાત પર અમેરિકાને ધમકી આપી હતી. ચીને કહ્યું કે, અમેરિકાએ આગ સાથે ના રમવું જોઈએ નહીં તો તેને પરિણામ ભોગવવા પડશે.

(11:23 am IST)