Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બોલિવૂડ સિંગર-કંપોઝર રાહુલ જૈન વિરુદ્ધ કોસ્‍ચ્‍યુમ ડિઝાઈનરે લગાવ્‍યો દુષ્‍કર્મ આચરવાનો આરોપ

સિંગરે તેને કામ આપવાના બહાને ફલેટ પર બોલાવી હતી અને દુષ્‍કર્મ આચર્યુ હતું: રાહુલ જૈન ડિઝાઈનરના આ આરોપોને પાયાવિહોણા અને ખોટા જણાવી રહ્યો છે

મુંબઈ, તા.૧૬: બોલિવૂડ સિંગર અને કંપોઝર રાહુલ જૈન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાહુલ જૈન પર ૩૦ વર્ષીય કોસ્‍ચ્‍યુમ સ્‍ટાઈલિસ્‍ટ સાથે દુષ્‍કર્મ આચરવાનો આરોપ મૂકવામાં આવ્‍યો છે. ડિઝાઈનરે ઓશીવારા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે, રાહુલ જૈને ઈન્‍સ્‍ટાગ્રામ પર તેનો સંપર્ક કર્યો હતો અને અંધેરી સ્‍થિત પોતાના ફલેટ પર મળવા માટે બોલાવી હતી.

ફરિયાદ અનુસાર, રાહુલ જૈને સ્‍ટાઈલિસ્‍ટને કહ્યુ હતું કે તે તેને અપોઈન્‍ટ કરવા માંગે છે. જયારે ફરિયાદી મહિલા ૧૧મી ઓગસ્‍ટના રોજ રાહુલ જૈનના ફલેટ પર પહોંચ્‍યા તો આરોપીએ પોતાનો સામાન બતાવવાના બહાનાથી તેને બેડરુમમાં લઈ ગયો અને દુષ્‍કર્મ આચર્યુ હતું. મહિલાની ફરિયાદ અનુસાર, તેણીએ અનેક વાર ઈનકાર કર્યો અને રોકવાનો પ્રયત્‍ન કર્યો હોવા છતાં રાહુલ જૈને તેની સાથે આ કૃત્‍ય કર્યું. આટલુ જ નહીં, મહિલાએ પૂરાવા રદ્દ કરવાનો પણ રાહુલ પર આરોપ મૂક્‍યો છે.

પોલીસે મહિલાની ફરિયાદને આધારે IPCના સેક્‍શન ૩૭૬, ૩૨૩ તેમજ ૫૦૬ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જો કે હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી. રાહુલ જૈને આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા જણાવ્‍યા છે. સિંગર કહે છે કે, હું તેને ઓળખતો પણ નથી. આ પહેલા પણ એક મહિલાએ આ જ પ્રકારના આરોપ મારા પર મૂક્‍યા હતા, પણ મને ન્‍યાય મળી ગયો હતો. બની શકે કે આ મહિલા પણ તેની જ સહયોગી હોય.

જૈનની વાત કરીએ તો, ૨૦૧૪માં જયારે તે MTV Aloft Star શો પર આવ્‍યો હતો ત્‍યારે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેણે તેરી યાદ, આને વાલા કલ, અને વેબ સીરિઝ સ્‍પોટલાઈટ માટે ઘર સે નિકલા, ના તુમ રહે ના હમ. ચલ દિયા જેવા ગીતો ગાયા છે. રાહુલે મ્‍યુઝિક કમ્‍પોઝર તરીકે પણ કામ કર્યું છે. તેણે કાગઝ અને જૂઠા કહીં કા જેવી ફિલ્‍મો તેમજ અમુક વેબ સીરિઝ માટે ગીતો કમ્‍પોઝ કર્યા છે.

(10:10 am IST)