Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

તમામ ટોલ બૂથ બંધ થશેઃ નવી હાઇ સિક્‍યોરિટી નંબર પ્‍લેટ ફરજિયાત કરવામાં આવશે

જીપીએસ અને આધુનિક સિસ્‍ટમની મદદથી સેટેલાઇટ દ્વારા વાહનોને મોનિટર કરવામાં આવશે : હવેથી તમે હાઇવે પર ૩૦ કિમીનો ઉપયોગ કરશો તો તમારે અડધો ચાર્જ ભરવો પડશે

નવી દિલ્‍હી,તા. ૧૬: દેશભરમાં હાઈવે પરના ટોલ પ્‍લાઝાથી વાહનચાલકોમાં ભારે નારાજગી છે. થોડા થોડા અંતરે આવેલા આ ટોલબૂથ પર હંમેશા વાહનોની લાંબી લાઈન લાગે છે અને તેમાં જ કરોડો રૂપિયાના પેટ્રોલ-ડીઝલનો ધુમાડો નીકળી જાય છે. કેન્‍દ્ર સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં હાઈવે પરના તમામ ટોલબૂથ બંધ કરવામાં આવશે. પરંતુ તે અગાઉ તમામ જૂના વાહનો પર નવી હાઈ સિક્‍યોરિટી નંબર પ્‍લેટ ફરજિયાત કરવામાં આવશે. કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તમામ જૂના વાહનોમાં પણ નવી નંબર પ્‍લેટ ફીટ કરવામાં આવશે જેને જીપીએસ અને આધુનિક સિસ્‍ટમની મદદથી સેટેલાઈટ દ્વારા મોનિટર કરવામાં આવશે.

ભારતમાં નવા વાહનોમાં ટેમ્‍પર પ્રૂફ રજિસ્‍ટ્રેશન પ્‍લેટ (HSRP)નો ઉપયોગ ૨૦૧૯થી શરૂ થયો હતો. આ નંબર પ્‍લેટ પરથી સરકારી એજન્‍સીઓને વાહન વિશે તમામ માહિતી મળી શકે છે. હવે જૂના વાહનોમાં પણ આવી નંબર પ્‍લેટ ફરજિયાત કરવામાં આવશે. અત્‍યારે એક બીજાથી માત્ર ૬૦ કિમીના અંતરે આવેલા ટોલ પ્‍લાઝામાંથી પસાર થવું હોય તો પણ ફુલ ચાર્જ ચુકવવો પડે છે. હવેથી તમે હાઈવે પર ૩૦ કિમીનો ઉપયોગ કરશો તો તમારે અડધો ચાર્જ ભરવો પડશે અને તેના માટે નવી ટેક્‍નોલોજી ઉપયોગી બનશે.

આ પદ્ધતિ માટે હજુ પ્‍લાનિંગ ચાલે છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કેન્‍દ્ર સરકાર ટૂંક સમયમાં આખા દેશમાંથી ટોલ પ્‍લાઝા બંધ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે હાઈવે પર વાહનોને અટકાવવામાં નહીં આવે. તેથી ઇંધણનો વપરાશ ઘટશે, સમય બચશે અને પોલ્‍યુશન ઓછું થશે. નવી ટેક્‍નોલોજી દ્વારા બેન્‍ક એકાઉન્‍ટમાંથી રકમ સીધી બાદ થઈ જશે. ભારતમાં અત્‍યારે ૯૭ ટકા વાહનોમાં ફાસ્‍ટ-ટેગનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. ૨૦૨૪દ્ગક લોકસભાની ચૂંટણી અગાઉ ભારતમાં હાઈવેને અમેરિકન હાઈવે જેવા કરી દેવામાં આવશે તેમ ગડકરીએ કહ્યું હતું.

દેશમાં વૈકલ્‍પિક ફયુઅલ તરીકે લિક્‍વિડ હાઈડ્રોજનનો ઉપયોગ કરવાની યોજના છે. તેના માટે સરકારે ૧૭,૦૦૦ કરોડનો ગ્રીન, બ્‍લેક અને બ્રાઉન હાઈડ્રોજન પ્રોજેક્‍ટ શરૂ કરવાનું વિચાર્યું છે. આપણે ઓર્ગેનિક વેસ્‍ટમાંથી ઈથેનોલનું ઉત્‍પાદન કરી શકીએ છીએ. હું માત્ર ઇથેનોલ પર ચાલતા જનરેટરનો ઉપયોગ કરું છું. ડીઝલનો ભાવ ૧૧૦ રૂપિયે લિટર છે જયારે ઇથેનોલ માત્ર ૬૦ રૂપિયામાં આવે છે.

(12:02 pm IST)