Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પિરિયડ્‍સ દરમ્‍યાન મહિલાઓને કેવી પીડા થાય છે એ સમજાવતુ મશીન કોચીના મોલમાં મુકાયું

કોચી,તા. ૧૬ : મહિલાઓ માસિકચક્ર એટલે કે પિરિયડ્‍સ દરમ્‍યાન જે પીડા અનુભવે છે એવી જ પીડા એક ઇલેક્‍ટ્રોનિક ઉપકરણ પિરિયડ પેઇન સિમ્‍યુલેટર દ્વારા રીક્રીએટ કરવામાં આવે છે. આ મશીનને ટ્રાન્‍સક્‍યુટેનિયસ ઇલેક્‍ટ્રિકલ નર્વ સ્‍ટિમ્‍યુલેશન કહેવામાં આવે છે જે ખરેખર પીડાને દૂર કરવા માટે રચાયું છે. જોકે એની માત્રા વધારવામાં આવે તો એ પીડાદાયક અનુભવ આપે છે.

ઇન્‍ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા કોચીના એક મોલમાં એક સામાજિક પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો હતો. એમાં પુરુષો પિરિયડ પેઇન સિમ્‍યુલેટર પર બેઠા હતા જેથી મહિલાઓ દર મહિને શું અનુભવે છે એની તેમને ખબર પડે. કેટલાક પુરુષો પીડા સહન ન થતાં ચીસો પણ પાડતા હતા. આ સામાજિક પ્રયોગ કપ ઓફ લાઇફ અભિયાનના એક ભાગરૂપે હતો જે માસિક સ્રવની સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે અર્નાકુલમના સંસદસભ્‍ય હિબી એડન દ્વારા શરૂ કરવામાં આવ્‍યો હતો. તેમણે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે આ અનુભવ બળતરા સાથે પીડાદાયક પણ છે.સંસદસભ્‍યની ૨૪ કલાકમાં તેમના મતવિસ્‍તારમાં એક લાખથી વધુ લોકોને મફત માસિક કપ આપવાની યોજના છે જેને સેનિટરી પેડના વિકલ્‍પ તરીકે પહેરી શકાય છે.જો આ અભિયાન સફળ થશે તો એક વર્લ્‍ડ રેકોર્ડ પણ સ્‍થપાશે. સોશ્‍યલ મીડિયા પર આ પ્રયોગની ખૂબ ચર્ચા ચાલી રહી છે. અનેક મહિલાઓએ જ નહીં પરંતુ પુરુષોએ પણ આ પ્રયોગને બિરદાવ્‍યો હતો અને એને મહિલાઓ પ્રત્‍યે સંવેદનશીલ ગણાવ્‍યો હતો.

(12:03 pm IST)