Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સેન્સેક્સમાં ૩૭૯, નિફ્ટીમાં ૧૨૭ પોઈન્ટનો ઊછાળો

સ્થાનિક શેર બજારોમાં ત્રીજા કારોબારી દિવસે તેજી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લિ. અને એચડીએફસી બેંકના શેરમાં ખરીદીએ પણ શેરબજારને ટેકો આપ્યો

મુંબઈ, તા.૧૬ : સ્થાનિક શેરબજારોમાં મંગળવારે સતત ત્રીજા કારોબારી દિવસે બીએસઈ સેન્સેક્સ ૩૭૯ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. તેલ અને ગેસ, બેંક અને વાહન શેરોમાં ઉછાળા સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૭,૮૦૦ની ઉપર પહોંચી ગયો હતો.

બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૭૯.૪૩ પોઈન્ટ અથવા ૦.૬૪ ટકાના વધારા સાથે ૫૯,૮૪૨.૨૧ પોઈન્ટ પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન, તે એક સમયે ૪૬૦.૨૫ પોઈન્ટ સુધી ચઢી ગયો હતો.

એનએસઈ નિફ્ટી પણ ૧૨૭.૧૦ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા વધીને ૧૭,૮૨૫.૨૫ પર બંધ થયો હતો. નિફ્ટીમાં સમાવિષ્ટ ૫૦ શેરોમાંથી ૪૨ શેરો વધ્યા હતા. આ સતત છઠ્ઠું ટ્રેડિંગ સેશન છે જ્યારે નિફ્ટીમાં તેજી રહી હતી.

જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો ૧૩.૯૩ ટકાના પાંચ મહિનાના નીચા સ્તરે પહોંચવાથી ફુગાવાની ચિંતા થોડી હળવી થઈ છે. આ સાથે ઇન્ડેક્સમાં મજબૂત હિસ્સો ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લિ. અને એચડીએફસી બેંકના શેરમાં ખરીદીએ પણ બજારને ટેકો આપ્યો હતો. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ફુગાવાને લગતા દબાણ હળવા થવાથી સ્થાનિક રોકાણકારો આર્થિક પુનરુત્થાન અંગે આશાવાદી રહે છે. ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં નરમાઈને કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)ના આંકડા અપેક્ષા કરતા સારા રહ્યા છે. આ સાથે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પોલિસી રેટ વધારવાની ગતિ ધીમી કરી શકે છે.

સેન્સેક્સના શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ ૨.૨૮ ટકા વધ્યો હતો. મહિન્દ્રા ગ્રૂપે સોમવારે જાહેરાત કરી હતી કે તે

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પાંચ નવી ઇલેક્ટ્રિક એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) રજૂ કરશે. તેમાંથી, પ્રથમ ચાર વાહનો ૨૦૨૪ થી ૨૦૨૬ ની વચ્ચે બજારમાં આવવાની ધારણા છે.

આ સિવાય મારુતિ સુઝુકી (૨.૧૯ ટકા), એશિયન પેઇન્ટ્સ (૨.૦૯ ટકા), હિન્દુસ્તાન યુનિલિવર (૧.૯ ટકા) પણ વધ્યા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, એચડીએફસી લિ. અને એચડીએફસી બેંકના શેર પણ મુખ્ય નફો કરતા હતા.

બીજી તરફ, સ્ટેટ બેક્ન ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સૌથી વધુ ૦.૯ ટકાના ઘટાડા સાથે રહી હતી. આ ઉપરાંત ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને એનટીપીસી પણ લાલ નિશાન પર હતા.

કોટક સિક્યોરિટીઝ લિ. સીઈના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણ અને કેટલાક સ્થાનિક પરિબળોને કારણે બજાર સમગ્ર વેપાર દરમિયાન અપટ્રેન્ડમાં રહ્યું હતું. ઘરેલુ ફુગાવામાં નરમાઈએ આશા ઊભી કરી છે કે રિઝર્વ બેંક વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી કરી શકે છે. એફઆઈઆઈ દ્વારા ખરીદી કરવાથી ચોક્કસપણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં વધારો થયો છે.

અન્ય એશિયાઈ બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટના ભાવ વધ્યા હતા, જ્યારે જાપાનના નિક્કી અને હોંગકોંગના હેંગસેંગમાં નુકસાન થયું હતું.

શરૃઆતના વેપારમાં યુરોપના મુખ્ય બજારો ઉપર હતા. અમેરિકી બજાર વોલ સ્ટ્રીટ સોમવારે લીડ પર રહ્યું હતું.

સ્વતંત્રતા દિવસના અવસર પર સોમવારે શેરબજાર બંધ રહ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૬ ટકા ઘટીને ૯૪.૨૮ ડોલર પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈએસ) ભારતીય મૂડી બજારમાં ચોખ્ખા ખરીદાર હતા. તેમણે શુક્રવારે રૃ. ૩,૦૪૦.૪૬ કરોડના શેર ખરીદ્યા હતા.

(7:25 pm IST)