Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨ ટેસ્ટ, ૨૪ વન-ડે, ૩૬ ટી-૨૦ રમશે

આઈસીસીએ પ્રથમ વખતવુમન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામ જાહેર કર્યો : મહિલા ક્રિકેટ માટે રચાયેલ એફટીપીમાં એપ્રિલ ૨૦૨૫ના અંત સુધીમાં તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય શ્રેણીની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી, તા.૧૬ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ પ્રથમ વખત વુમન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી) ની જાહેરાત કરી છે. અત્યાર સુધી આઈસીસી માત્ર મેન્સ ક્રિકેટ માટે જ એપટીપી તૈયાર કરતી હતી પરંતુ પ્રથમ વખત ૧૬ ઓગસ્ટ ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાનના વુમન્સ ફ્યુચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થાએ મેગા ઈવેન્ટ વિશે પણ જાહેરાત કરી દીધી છે કે કઈ ટૂર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે?

એફટીપી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરની રૃપરેખા તૈયાર કરે છે. તેમાં આઈસીસી ઈવેન્ટસ ઉપરાંત દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય શ્રેણીનો પણ સમાવેશ થાય છે. મહિલા ક્રિકેટ માટે રચાયેલ એફટીપીમાં એપ્રિલ ૨૦૨૫ના અંત સુધીમાં તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. આમાં ભારતમાં યોજાનારી આઈસીસી મહિલા વિશ્વ કપ માટે ફ્યૂચર ટૂર પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશે વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ સુધી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ૨ ટેસ્ટ, ૨૪ વન-ડે આંતરરાષ્ટ્રીય અને ૩૬ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ટી-૨૦ વર્લ્ડ કપ અને અન્ય ઈવેન્ટની મેચો આમા સામેલ નથી. આ બન્ને ટેસ્ટ મેચો ભારતની ધરતી ઉપર યોજાશે. એક મેચ ઈંગલેન્ડની સામે અને એક મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમાશે.આઈસીસી વુમેન્સ મેગા ઈવેન્ટનું લિસ્ટ

ફેબ્રુઆરી ૨૦૨૩માં સાઉથ આફ્રિકામાં વુમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ

સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૪માં બાંગ્લાદેશમાં વુમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ

સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૫માં ભારતમાં વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 

જૂન ૨૦૨૬માં ઈંગલેન્ડમાં વુમેન્સ-વુમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ

ફેબ્રુઆરી ૨૦૨૭માં શ્રીલંકામાં વુમેન્સ ટી-૨૦ ચેમ્પિયન્સ ટ્રોફી

(7:28 pm IST)