Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ફાસ્ટેગ રિચાર્જ માટે મહિલાને લિંક મોકલીને ૪.૫૪ લાખની ઠગાઈ

લો હવે ફાસ્ટેગ રિચાર્જ કરાવવામાં જોખમ : મહિલાએ લિંક પર ક્લિક કરતા કસ્ટમર સપોર્ટ નામની એક એપ આપમેળે ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ અને તેના પૈસા ઉપડી ગયા

મુંબઈ , તા.૧૬ : શહેરના દહિસર વિસ્તારમાં રહેતી એક ૩૪ વર્ષી મહિલા સાથે તાજેતરમાં જ ૪.૫૪ લાખ રુપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા ફાસ્ટેગ  રિચાર્જ કરાવવા માંગતી હતી. રિચાર્જ કરાવવાના પ્રયત્નમાં તેણે લાખો રુપિયા ગુમાવ્યા છે. દહિસર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે અને ઠગને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ફાસ્ટટેગ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જેનું સંચાલન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. જે મહિલા ઠગાઈનો શિકાર બની છે તે નરિમન પોઈન્ટ ખાતે એક સીનિયર બેક્નર તરીકે કાર્યરત છે. ૯મી ઓગસ્ટના રોજ મહિલાના ભાઈએ જણાવ્યું કે તેમની એસયુવી કાર માટે ફાસ્ટેગનું રિચાર્જ કરાવવાનું છે. મહિલાએ આ રિચાર્જ કેવી રીતે કરવું તે ઓનલાઈન સર્ચ કરવાની શરુઆત કરી.

ફરિયાદી મહિલાને એક કન્ઝ્યુમર કેર નંબર મળ્યો જેના પર તેણે ફોન લગાવ્યો હતો. મહિલા અજાણ હતી કે તે કોઈ સાચા કેન્દ્ર પર નહીં પણ ઠગને ફોન કરી રહી છે. જે વ્યક્તિએ ફોન ઉપાડ્યો તેણે મદદ કરવાનું વચન પણ આપ્યુ હતું. પોલીસ અધિકારી આ ઘટના બાબતે જણાવે છે કે, ઠગે મહિલાને ફોન પર એક લિંક મોકલી અને ફાસ્ટેગના રિચાર્જ માટે તે ક્લિક કરવાનું કહેવામાં આવ્યું. મહિલાએ લિંક પર ક્લિક કરતા કસ્ટમર સપોર્ટ નામની એક એપ આપમેળે ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ હતી.

આ એપ ડાઉનલોડ થયા પછી ઠગે મહિલાને કહ્યું કે તે પોતાના ફોનમાં બેક્નિંગ એપ ઓપન કરે. મહિલાએ બેક્નની એપ ખોલતા જ મેસેજ આવી ગયો કે, પ્રિય ગ્રાહક, ફાસ્ટેદ રિચાર્જ સફળતાપૂર્વક થઈ ગયું છે. મહિલાને લાગ્યું કે તેણે રિચાર્જનું કામ પતાવી દીધું છે. પરંતુ ત્યારપછી જ્યારે તેના ફોનમાં એક પછી એક ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા તો તે ગભરાઈ ગઈ. અલગ અલગ ઈન્સ્ટોલમેન્ટમાં તેના અકાઉન્ટમાંથી ૬.૯૯ લાખ રુપિયા ઉપડી ગયા હતા.

મહિલાએ કાંદિવલી ઈસ્ટ ખાતે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક બેક્નને ઈ-મેઈલ કર્યા અને ૨.૪૫ લાખ રુપિયા ફ્રીઝ કરાવ્યા હતા. મહિલાએ જોયું કે ઠગોએ તેના અકાઉન્ટ સાથે ચાર પેઈ ઉમેર્યા હતા. કુલ મળીને મહિલાએ ૪.૫૪ લાખ રુપિયા ગુમાવ્યા. પોલીસે માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે.

 

(7:28 pm IST)