Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સૂર્યકુમાર યાદવના વખાણ કરતાં પાકિસ્તાની પૂર્વ કેપ્ટન રોષે ભરાયો !

વિશ્વ ક્રિકેટમાં ડિવિલિયર્સ જેવું કોઈ નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને સૂર્યકુમાર યાદવની તુલના ડિવિલિયર્સ સાથે કરતા પહેલા રાહ જોવાની હતી : સલમાન બટ

નવી દિલ્લી : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન રિકી પોન્ટિંગે ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવના મન મુકીને વખાણ કર્યા છે. પોન્ટિંગે સૂર્યકુમારની તુલના એબી ડી વિલિયર્સ સાથે કરી છે અને કહ્યું છે કે, તે પણ દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડીની જેમ મેદાનની ચારે બાજુ શોટ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. પોન્ટિંગે કહ્યું છે કે સૂર્યકુમારે ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ.

પોન્ટિંગે જે સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટને પસંદ આવી ન હતી અને હવે તેને પોન્ટિંગ પર નિશાન સાધ્યું છે. સલમાને પોન્ટિંગને ટ્રોલ કરવાની કોશિશ કરી છે. સૂર્યકુમાર હાલમાં આઈસીસી T20 રેન્કિંગમાં બીજા નંબરનો બેટ્સમેન છે. એશિયા કપ શરૂઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે કઈ જગ્યાએ બેટિંગ કરવી જોઈએ તેના પર ચર્ચા થઈ હતી અને ત્યારે જ પોન્ટિંગે ભારતીય બેટ્સમેનની તુલના દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ સાથે કરી હતી.


પોન્ટિંગનું સૂર્યકુમાર યાદવ અને ડિવિલિયર્સ સાથે તુલના કરવાનું સલમાનને પસંદ ન હતું અને તેને તેની યુટ્યુબ ચેનલ પર પોન્ટિંગના નિવેદનની ટીકા કરી હતી. સલમાને કહ્યું કે વિશ્વ ક્રિકેટમાં ડિવિલિયર્સ જેવું કોઈ નથી. તેને કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને સૂર્યકુમાર યાદવની તુલના ડિવિલિયર્સ સાથે કરતા પહેલા રાહ જોવાની હતી.

સલમાને કહ્યું, "સૂર્યકુમાર પણ કહેશે કે તેની તુલના ડિવિલિયર્સ સાથે કંઈ વધારે થઈ ગઈ. સૂર્યકુમારે હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. તે પ્રતિભાશાળી છે અને તેને કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. પરંતુ તેની એબી ડી વિલિયર્સ સાથેની તુલના? પોન્ટિંગે થોડી વધુ રાહ જોવાની હતી. સૂર્યકુમારને હજુ મોટી ટુર્નામેન્ટ રમવાની છે. સત્ય એ છે કે ડિવિલિયર્સની જેમ હજુ સુધી કોઈ રમ્યું નથી. તમે તેની તુલના વિવિયન રિચાર્ડ્સ સાથે કરી શકો છો.”

સલમાને કહ્યું, મને નથી લાગતું કે હાલના સમયમાં કોઈ ખેલાડીએ આવું બેટ પકડ્યું હશે. તમારી અસર એવી હોવી જોઈએ કે તમારી વિરોધી ટીમને ખબર હોવી જોઈએ કે જો તમે તેને આઉટ નહીં કરો તો તમે મેચ જીતી શકશો નહીં અથવા તમારી પાસે મેચને ફેરવવાની ક્ષમતા હોવી જોઈએ. મને લાગે છે કે હાલના ઈતિહાસમાં તેના જેવું કોઈએ રમ્યું નથી.

ઓસ્ટ્રેલિયા માટે બે વખત વનડે વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન પોન્ટિંગે આઈસીસી રિવ્યુમાં સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. તેને આ જમણા હાથના બેટ્સમેનના વખાણ કરતા કહ્યું કે, સૂર્ય મેદાનમાં 360 ડિગ્રી પર રમે છે. આ એબી ડિવિલિયર્સ જે રીતે તેના પ્રાઈમમાં રમતા હતા તેના જેવું જ છે. લેપ શોટ, લેટ કટ, કીપરના માથા ઉપર, તે ગ્રાઉન્ડેડ શોટ પણ રમતો હતો.

(9:49 pm IST)