Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અમુલનાં રસ્તે મધર ડેરી ! : મધર ડેરીએ દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો

નવા દરો આવતીકાલથી લાગુ થશે : દેશની સૌથી મોટી દૂધ કંપની અમૂલે પણ તેના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂ.નો વધારો કરવાનો નિર્ણય લીધો

દિલ્લી તા.16 : અમૂલના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યા બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગવાનો છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તેના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા દરો 17 ઓગસ્ટ 2022 એટલે કે આવતીકાલથી લાગુ થશે. આ પહેલા આજે દેશની સૌથી મોટી દૂધ કંપની અમૂલે પણ તેના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ દરો પણ 17 ઓગસ્ટ, 2022થી લાગુ થશે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 17 ઓગસ્ટથી અમૂલનું દૂધ મોંઘું થશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે 500 ml અમૂલ ગોલ્ડની કિંમત વધીને 31 રૂપિયા થશે. હવે ગ્રાહકોને અમૂલ તાઝાના 500 મિલી પેકેટ રૂ. 25માં અને અમૂલ શક્તિનું 500 એમએલનું પેકેટ રૂ. 28માં મળશે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા અમૂલ કંપનીએ 1 માર્ચ 2022ના રોજ પણ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તે સમયે કંપનીએ મોંઘા ટ્રાન્સપોર્ટેશનનો ઉલ્લેખ કર્યો હતો. કંપનીએ કહ્યું કે મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે.

GCMMFએ જણાવ્યું છે કે તેણે ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર, દિલ્હી NCR, પશ્ચિમ બંગાળના બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વધેલી કિંમતો 17 ઓગસ્ટ, 2022થી તમામ સ્થળો પર લાગુ થશે. GCMMF મુજબ, લિટર દીઠ રૂ. 2નો વધારો એમઆરપીમાં 4 ટકા થાય છે. આ સરેરાશ ફુગાવાના દર કરતા ઓછો છે.

GCMMFએ જણાવ્યું હતું કે અમૂલ દૂધના ભાવમાં કામગીરી અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે વધારો કરવામાં આવ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં એકલા પશુ આહારની કિંમતમાં લગભગ 20%નો વધારો થયો છે.

સરકારે ગયા મહિનાથી દૂધના ઉત્પાદનો પર 5% GST લાદ્યો છે. જેના કારણે દહીં-લસ્સીના ભાવ પહેલાથી જ વધી ગયા છે. હવે દૂધના વધતા ભાવથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધશે.

(12:09 am IST)