Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

હિંસક તોફાનો અંગે ૧૧ લાખ પેજનો ડેટા : દિલ્હી પોલીસ

આ ડેટાના આધારે વિવિધ લોકોની પૂછપરછ કરાશે : ડેટાના આધારે ઉમર ખાલિદની પૂછપરછ કરવાની દલીલ

નવી દિલ્હી, તા. ૧૫ : નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટરના મુદ્દે વર્ષના ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં થયેલાં હિંસક તોફાનો અંગે દિલ્હી પોલીસે ૧૧ લાખ પૃષ્ઠો જેટલો ડેટા ભેગો કર્યાનો દાવો કર્યો છે. એના આધારે અત્યાર સુધી અટકાયતમાં લેવાયેલા લોકોની પૂછપરછ કરાશે.

હજુ ગયા સપ્તાહે જેએનયુના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ કરાઇ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ઉમર ખાલિદની પૂછપરછ કરવા માગે છે. કોર્ટે ઉમરને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. પોલીસે રિમાન્ડ માગતી વખતે એવી દલીલ કરી હતી કે વિદ્યાર્થી નેતાની દિલ્હીનાં હિંસક તોફાનો વિશે પૂછપરછ કરવાની હતી.

જાણકાર સૂત્રોના કહેવા મુજબ દિલ્હી પોલીસે અનલૉફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) હેઠળ ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. પોલીસ પાસે ૧૧ લાખ પૃષ્ઠો જેટલો ડેટા હિંસક તોફાનો વિશે છે. ડેટાના આધારે અમે ઉમર ખાલિદની પૂછપરછ કરવા માગીએ છીએ એવી દલીલ પોલીસે કોર્ટમાં કરી હતી. દિલ્હી પોલીસના વકીલ અમિત પ્રસાદે કોર્ટને માહિતી આપી હતી કે ૧૧ લાખ પૃષ્ઠોના ડેટાના આધારે ઉમર ખાલિદને કેટલાક સવાલો પૂછવાના છે. પોલીસે એેવો દાવો પણ કર્યો હતો કે દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં ખાલિદની એક ગુપ્ત સ્થળે ઉમર ખાલિદ ખાલિદ સૈફી અને તાહિર હુસૈન જેવા લોકો સાથે મોડી રાત સુધી બેઠકો યોજતો હતો.

અત્રે યાદ કરવા જેવું છે કે આપના સભ્ય તાહિર હુસૈને પોતાના મકાનના ધાબેથી પેટ્રોલ બોમ્બ અને પથ્થરો-ઇંટોનો વરસાદ વરસાવ્યો હતો. એણે પોતાનો ગુનો કબૂલ પણ કરી લીધો હોવાનો પોલીસનો દાવો હતો. ખાલિદ પાસેથી મળેલાં વિવિધ સાધનો અને યંત્રો વિશે પણ સંતોષકારક ખુલાસો કરી શક્યો નહોતો. વારંવાર ચાંદબાગ ખાતેના ગુપ્ત સ્થળે કેમ જતો હતો એનો પણ પ્રતીતિજનક ખુલાસો કરી શક્યો નથી.

(12:00 am IST)