Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કંગનાએ BMC પાસેથી બે કરોડ માગ્યા

આ પિટિશનમાં અભિનેત્રીએ કહ્યું કે, પાલિકાએ ૯ સપ્ટેમ્બરે તેની બાંદરાની ઓફિસમાં ગેરકાયદે ડિમોલિશન કરીને બંગલાનો ૪૦ ટકા જેટલો હિસ્સો તોડી પાડ્યો છે જેમાં ઝુમ્મર, સોફા, દુર્લભ આર્ટ-વર્ક જેવી વસ્તુઓનો સમાવેશ છે

મુંબઇ,તા.૧૬: કંગના રનોટે બોમ્બે હાઈ કોર્ટમાં કરેલી સુધારિત પિટિશનમાં BMC પાસેથી વળતરરૂપે બે કરોડ રૂપિયાની માગણી કરી છે.

આ પિટિશનમાં અભિનેત્રીએ કહ્યું કે, પાલિકાએ ૯ સપ્ટેમ્બરે તેની બાંદરાની ઓફિસમાં ગેરકાયદે ડિમોલિશન કરીને બંગલાનો ૪૦ ટકા જેટલો હિસ્સો તોડી પાડ્યો છે જેમાં ઝુમ્મર, સોફા, દુર્લભ આર્ટ-વર્ક જેવી વસ્તુઓનો સમાવેશ છે.

નોટિસ ફટકાર્યાના ૨૪ કલાકમાં જ પાલિકાએ ડિમોલિશન કરતા કંગનાએ પૂર્વનિર્ધારિત અને વિકૃત ગણાવીને પડકાર્યું છે. ૯ સપ્ટેમ્બરે કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ ડિમોલીશન પર સ્ટે મેળવવા માટે ૨૯ પાનાંની પિટિશન ફાઈલ કરી, ત્યારબાદ ૧૦ સપ્ટેમ્બરે થયેલા સુનાવણીમાં બોમ્બે હાઈ ક્રોટે કહ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બર સુધીમાં તેઓ સુધારિત પિટિશન ફાઈલ કરશે. હવે સુધારિત પિટિશન ૯૨ પાનાંની છે.

કંગનાએ કહ્યું કે, ૯ સપ્ટેમ્બરની સવારે જયારે મારા વકીલે ડિમોલિશન પર સ્ટે મેળવવા બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી અને એની સુનાવણી બપોરે સાડા બાર વાગ્યે થશે એમ નક્કી થયું એ પછી મારો વકીલ જયારે બંગલા પર વોર્ડ-ઓફિસરને પિટિશનની કોપી આપવા ગયો ત્યારે તેમણે બંગલાને અંદરથી લોક કરીને અને વકીલને અવગણીને ડિમોલીશન ચાલુ રાખ્યું હતું.

આ બાબતની આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરે છે.

(11:20 am IST)