Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બંદૂકની અણીએ અભિનેત્રી પાસેથી સાત લાખની લૂંટ

શૂટિંગ માટે દિલ્હી ગયેલી અભિનેત્રી લૂંટાઈ

નવી દિલ્હી, તા.૧૫ : શૂટિંગ માટે દિલ્હી ગયેલા અભિનેત્રી નિકિતા રાવલ સાથે બંદુકની અણીએ લૂંટફાટ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નિકિતા રાવલ પાસેથી સાત લાખ રૂપિયાની મત્તા લૂંટારાઓ લૂંટી ગયા છે. નિકિતાએ એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હું શૂટિંગ માટે દિલ્હીમાં હતી. રાત્રે ૧૦ વાગ્યે હું મારા આન્ટીના ઘરે પગપાળા જઈ રહી હતી ત્યારે એક ઈનોવા મારી પાસે આવીને ઉભી રહી હતી. તેમાંથી ચાર લોકો ઉતર્યા હતા. તેમણે મને ગન બતાવીને જે પણ વસ્તુઓ હોય તે આપી દેવા માટે કહ્યુ હતુ. નિકિતા આગળ કહે છે કે, તે સમયે મને લાગ્યુ હતુ કે, આ લોકો મને મારી પણ નાંખી શકે છે અને મને ઉપાડી લઈ જઈને રેપ પણ કરી શકે છે. જેના પગલે મેં કશું કહ્યા વગર બધુ આપી દીધુ હતુ. હું ઘરે ગઈ હતી અને ઘરને અંદરથી લોક કરી દીધુ હતુ અને વોર્ડરોબમાં સંતાઈ ગઈ હતી. બીજી દિવસે હું મુંબઈ પાછી આવી ગઈ હતી. કારણકે મને ત્યાં સલામતી લાગતી નહોતી.

નિકિતાના કહેવા પ્રમાણે તે હજી સુધી આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી નથી. દરમિયાન પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. નિકિતા કહે છે કે, હજી મને વિશ્વાસ નથી આવતો કે હું જીવતી છું.

(12:00 am IST)