Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રસ્તા વચ્ચે મહિલાનો દુપટ્ટો ખેંચનાર યુવકને વર્ષની કેદ

મહિલા સાથે દુર્વ્યવહારના કેસમાં દાખલારૂપ સજા : મહિલાના જીવન-ગોપનીયતાને પ્રભાવિત કરનાર ગુનામાં શામેલ વ્યક્તિને સારા વ્યવહારને લીધે છોડી શકાય નહીં

મુંબઈ, તા.૧૫ : દેશભરમાંથી દરરોજ મહિલાઓ સાથેના દુર્વ્યવહારના સમાચાર સામે આવતા હોય છે. રસ્તાઓ પર ભીડની વચ્ચે પણ મહિલાઓ સુરક્ષિત અનુભવ નથી કરતી. આ જ પ્રકારની એક ઘટના મુંબઈમાં બની હતી જેમાં કોર્ટ દ્વારા આરોપીને સબક મળે તેવી સજા સંભળાવવામાં આવી છે. મુંબઈના ૨૩ વર્ષના એક યુવકને કોર્ટે એક વર્ષની જેલની સજા સંભળાવી છે. યુવકે રસ્તાની વચ્ચે એક મહિલાનો દુપટ્ટો ખેંચ્યો હતો. કોર્ટે પોતાના આદેશ દરમિયાન ટિપ્પણી કરી કે, એક મહિલાના જીવન અને ગોપનીયતાના અધિકારને પ્રભાવિત કરનારા ગુનાઓમાં શામેલ વ્યક્તિને તેના સારા વ્યવહારને કારણે છોડી શકાય નહીં. યુવકે વર્ષ ૨૦૧૬માં જાહેરમાં યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો.

મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ શરદ એસ પરદેશીએ જણાવ્યું કે, મહિલાનો કોઈ વાંક નથી. આરોપીએ જાહેર રસ્તા પર તેનો દુપટ્ટો ખેંચી કાઢ્યો. કોર્ટે સારા વ્યવહારના આધારે જામીન માંગતી અરજી ફગાવી હતી અને તેને ગુનેગાર જાહેર કર્યો અને ૫૦૦૦ રુપિયા દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે જણાવ્યું કે, આરોપીએ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો. આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈઓ હેઠળ નરમીથી જોવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે. આરોપી સાથે નરમ વલણ દાખવવામાં આવશે તો ગુનાનું પુનરાવર્તન થઈ શકે છે. પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ એક આરોપીને સજા આપવાના સ્થાને તેના સારા વ્યવહારને કારણે જામીન આપવાની જોગવાઈ આપે છે.

મહિલાએ જણાવ્યું કે, ૨૪ માર્ચ, ૨૦૧૬ના રોજ હોળીના તહેવારની પૂર્વ સંધ્યાએ તે પોતાના દાદી સાથે બહાર ગઈ હતી. યુવક પાછળથી તેની મોટરસાયકલ પર આવ્યો અને જોરથી હોર્ન વગાડવા લાગ્યો. ત્યારપછી તેણે યુવતીનો દુપટ્ટો ખેંચી લીધો. મહિલાએ કહ્યું કે, જ્યારે તેણે વિરોધ કર્યો તો યુવક ગાળો બોલવા લાગ્યો હતો. મહિલાએ ઘટનાસ્થળ પર હાજર પતિના મિત્રની મદદથી આરોપીની ઓળખ કરી. ત્યાં હાજર મિત્ર અને આરોપી પાડોશમાં જ રહેતા હોવાને કારણે નામ અને અન્ય જાણકારી સરળતાથી મળી શકી.

મહિલાના પતિના મિત્ર અને અન્ય એક વ્યક્તિએ કોર્ટમાં ગવાહી આપી અને દાવો કર્યો કે આરોપીએ માત્ર મહિલા સાથે બોલાચાલી કરી હતી. બન્નેએ ગવાહી આપી કે આરોપીએ દુપટ્ટો નથી ખેંચ્યો. પરંતુ કોર્ટે મહિલાના નિવેદન પર વિશ્વાસ કર્યો. કોર્ટે જણાવ્યું કે, ઘટના પહેલા આરોપી અને પીડિત વચ્ચે કોઈ દુશ્મની નહોતી. માટે મહિલા પાસે આરોપી વિરુદ્ધ ખોટો રિપોર્ટ દાખલ કરવાનું કોઈ કારણ નથી.

(12:00 am IST)