Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જઘન્ય અપરાધ વિશ્વનો સૌથી ખૂંખાર સીરિયલ કિલર! ૧૦૦ બાળકો પર બળાત્કાર ગુજારી એસિડમાં બાળી દીધા મૃતદેહ

આ અપરાધ માટે જજે ઇકબાલને પીડિત બાળકોના સંબંધીઓ સામે ૧૦૦ ટુકડા કરવાની સજા સંભળાવી હતી

લાહોર,તા.૧૬: વિશ્વમાં ઘણા ખતરનાક આરોપી છે, જેમની કહાની લોકોની ઉંઘ ઉડાડી શકે છે. પાકિસ્તાનમાં પણ એક એવા જ આરોપીનો કિસ્સો પ્રખ્યાત છે, જેણે ૧૦૦થી વધુ બાળકો પર બળાત્કાર ગુજારી તેમના મૃતદેહને એસિડથી ભરેલા કન્ટેનરમાં ડુબાડી નાશ કરી દીધા જેથી પોલીસને કોઈ પુરાવા ન મળી શકે. જો કે તે લાંબા સમય સુધી તેની યુકિતમાં સફળ થઈ શકયો નહીં.

પાકિસ્તાનના આ ભયાનક ગુનેગારનું નામ જાવેદ ઇકબાલ હતું અને ગુના માટે તેને જે સજા ફટકારવામાં આવી તે પાકિસ્તાનમાં આજ સુધી એક ઉદાહરણ છે. એક અહેવાલ મુજબ આ જદ્યન્ય અપરાધ માટે જજે ઇકબાલને પીડિત બાળકોના સંબંધીઓ સામે ૧૦૦ ટુકડા કરવાની સજા સંભળાવી હતી, તેમજ તેના શરીરને એસિડમાં બાળવાનો આદેશ આપ્યો હતો, જેવી રીતે તેણે બાળકો સાથે કર્યું હતુ.

કોર્ટના આ નિર્ણયને પાકિસ્તાન સરકારે માનવાધિકારને ટાંકીને રોકી દીધો હતો. ઇકબાલની સજા નક્કી થાય તે પહેલા જ ઇકબાલે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

જાવેદ ઇકબાલનો જન્મ વર્ષ ૧૯૫૬માં લાહોરમાં થયો હતો અને તેને અક્કલ આવી ત્યારથી જ તેણે ગરીબ અને નિરાધાર બાળકોને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કર્યું. તે સગીર બાળકોને લાલચ આપી તેના દ્યરે લઇ જતો હતો અને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.વર્ષ ૧૯૯૯માં તેણે પોતે જ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધી ૧૦૦ બાળકો પર બળાત્કાર કર્યો હતો અને તેમની હત્યા કરી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે તેણે તેના ઘરમાં બાળકોની તસવીર, નામ તેમજ તેમના કપડાં જમા કરીને રાખ્યા હતા. લાહોરના એક અખબાર સાથેની વાતચીત દરમિયાન ઇકબાલે જણાવ્યું હતું કે તેને આચરેલા ગુના બદલ તેને કોઈ પસ્તાવો નથી અને તેણે બદલો લેવાના હેતુથી બાળકોની હત્યા કરી હતી કારણ કે મને પણ ન્યાય મળ્યો નહતો.

તેણે પોલીસ પર આરોપ લગાવ્યો અને જણાવ્યું કે મને પણ ખોટા કાવતરામાં જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસે મને ખરાબ રીતે માર્યો હતો. આ દરમિયાન ઇકબાલની માતા પુત્ર માટે ન્યાયની ભીખ માંગતી રહી અને તે ઇચ્છતી હતી કે ૧૦૦ માતાઓ પણ તેમના બાળકો માટે તે જ રીતે ન્યાય માટે ભીખ માંગે.

જાવેદ ઇકબાલે ગુનો કબૂલ કર્યા પછી તેને માર્ચ ૨૦૦૦માં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે સજા ફટકાર્યા બાદ ઓકટોબર ૨૦૦૧માં તેણે તેના એક સાથી સાથે બેરેકમાં લાગેલી સળિયાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે કેટલાક લોકો કહે છે કે તેને ત્યાં મારવામાં આવ્યો હતો કારણ કે તેના પગ અને હાથનો રંગ બદલાઇ ગયો હતો. 

(10:29 am IST)