Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નવું સિમ કે કનેકશન લેવા માટે હવે એકપણ ડોકયુમેન્ટની નહીં પડે જરૂર

લગભગ તમામ કામ અને પ્રક્રિયાઓ હવે ઓનલાઈન કરવામાં આવશે : કેવાયસીની પ્રક્રિયા પણ હવે ઓનલાઈન થશે

નવી દિલ્હી,તા. ૧૬: ટેલિકોમ સેકટરમાં રિફોર્મને લઈને કેન્દ્ર સરકારે મોટા નિર્ણયો લીધા છે. આમાં એક મોટો નિર્ણય ટેલિકોમ સેકટરમાં લાયસન્સ રાજને સમાપ્ત કરવાનો પણ છે. ગઇ કાલે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ક્ષેત્રમાં લાંબી સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા નિર્ણયો સીધા સામાન્ય લોકો સાથે સંબંધિત છે.

નવું સિમ અથવા ટેલિફોન કનેકશન લેતી વખતે જે પણ ડોકયુમેન્ટ વગેરે આપવાના હતા, તે હવે આપવાના રહેશે નહીં. જે ફોર્મ જાતે ભરવામાં આવતા હતા, તે પણ હવે ભરવા પડશે નહીં. લગભગ તમામ કામ અને પ્રક્રિયાઓ હવે ઓનલાઈન કરવામાં આવશે. કેવાયસીની પ્રક્રિયા પણ હવે ઓનલાઈન થશે. ટેલિકોમ સેકટરને ડિજિટલાઇઝ કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

કેન્દ્રીય આઈટી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ ક્ષેત્રમાં લાયસન્સ રાજ નાબૂદ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકો અને કંપનીઓ માટે રસ્તાઓ સરળ બનાવવામાં આવી રહ્યા છે. લગભગ તમામ પ્રક્રિયાઓ ડિજિટલાઈઝ થઈ રહી છે. આ ક્ષેત્રને લગતા મોટાભાગના કામ હવે ઓનલાઈન થશે. (૨૨.૭)

ડિજિટાઇઝેશન તરફ સરકારના મહત્વના નિર્ણયો

નવું સિમ અથવા કનેકશન મેળવવા માટે, ડોકયુમેન્ટની નકલ આપવાની રહેશે નહીં.

સિમ લેતી વખતે જે ડોકયુમેન્ટ આપવાના હતા, તે હવે આપવાના રહેશે નહીં.

આધાર નંબર પૂરતો હશે, કેવાયસી ડિજિટલ રીતે કરવામાં આવશે.

તમામ ફોર્મ વેરહાઉસમાં ડિજિટલાઇઝ કરવામાં આવશે.

ટેલિકોમ સેકટરમાં KYC હવે સંપૂર્ણપણે ઓનલાઈન થશે.

ટાવર ઉભા કરવા માટે ઘણા વિભાગોની મંજૂરી જરૂરી નથી.

પ્રાથમિક સ્તરે સેલ્ફ અપ્રુવલ સાથે જ કામ કરવામાં આવશે.

ટેલિકોમ વિભાગના એક જ પોર્ટલ પરથી મંજૂરી મળશે.

(10:29 am IST)