Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કોરોના કેસોમાં મોટો ઉછાળો

૨૪ કલાકમાં ૩૦,૫૭૦ લોકો સંક્રમિતઃ ૪૩૧ના મોત

કોરોના સામેની જંગ વેગવંતી બનીઃ અત્યાર સુધીમાં વેકસીનના ૭૬ કરોડ ૫૭ લાખ ડોઝ અપાયા

નવી દિલ્હી, તા.૧૬: થોડા દિવસની આંશિક રાહત બાદ આજે સવારે જાહેર થયેલા કોરોના મહામારીના આંકડાઓએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. એક દિવસમાં ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જયારે મૃત્યુઆંકે ૪૦૦નો આંક પાર કરી દીધો છે. કેરળમાં ૧૭ હજાર જેટલા લોકો એક દિવસમાં સંક્રમિત થયા છે. ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે. અહીં ૨૪ કલાકમાં ૩૭૮૩ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાતમાં એક દિવસમાં ૧૫ લોકો સંક્રમિત થયા છે. હાલ રાજયમાં ૧૫૦ એકિટવ કેસ છે.

આજે ગુરૂવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૫૭૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૪૩૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૩,૪૭,૩૨૫ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૬,૫૭,૧૭,૧૩૭ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૪,૫૧,૪૨૩ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૫ લાખ ૬૦ હજાર ૪૭૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૮,૩૦૩ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૪૨,૯૨૩ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૯૨૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૭૭,૦૧,૭૨૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૫,૭૯,૭૬૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:52 am IST)