Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મુંબઇ વિશ્વનું બીજા નંબરનું ઇમાનદાર શહેર

સૌથી બેઇમાન સાબિત થયું પોર્ટુગલનું લીસ્બન : વોલેટ એકસપેરીમેન્ટ દ્વારા વિશ્વભરના શહેરોની ઇમાનદારીની ચકાસણી

નવી દિલ્હી, તા.૧૬: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ બુધવારે 'ધ વોલેટ એકસપેરીમેંટની માહિતી શેર કરી હતી. કોઇ શહેરની ઇમાનદારી પરખવા માટે કરાયેલ આ સોશ્યલ એકસપેરીમેન્ટમાં દેશની આર્થિક રાજધાની મુંબઇ વિશ્વનું બીજા નંબરનું સૌથી ઇમાનદાર શહેર બન્યુ છે.

રિડર્સ ડાયજેસ્ટ એ જાણવા માંગતુ હતુ કે દુનિયાના કયા શહેરનું ચારિત્ર કેટલું ઇમાનદાર છે. એટલે તેણે 'ધ વોલેટ એકસપેરીમેન્ટ' અજમાવ્યું. આ સોશ્યલ એકસપરીમેન્ટમાં રીડર્સ ડાયજેસ્ટે વિશ્વના ૧૬ મોટા શહેરોમાં કુલ ૧૯૨ વોલેટ એટલે કે પાકીટ જાણી જોઇને ગુમાવી દીધા. આ રીતે લગભગ દરેક શહેરમાં ૧૨ વોલેટ ગુમાવવામાં આવ્યા.

આ બધા પાકીટોમાં એક વ્યકિતનું નામ, સરનામુ, ફોન નંબર, પરિવારનો ફોટો, કૂપન અને બીઝનેસ કાર્ડ રાખવામાં આવ્યા હતા. સાથે જ સ્થાનિક કરન્સીમાં ૫૦ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા) જેટલી રકમ પણ રાખવામાં આવી હતી અને રાહ જોવામાં આવી હતી કે કયા શહેરમાં કેટલા પાકીટ પાછા આવે છે.

આ સોશ્યલ એકસપરીમેન્ટમાં મુંબઇમાં ૧૨માંથી ૯ પાકીટો પાછા આવ્યા અને તે વિશ્વનું બીજા નંબરનું ઇમાનદાર શહેર બની ગયું. તો ફિનલેન્ડના હેલસીંકી શહેરમાં ૧૨માંથી ૧૧ વોલેટ સહી સલામત પાછા આવ્યા અને તે દુનિયાનું સૌથી ઇમાનદાર શહેર બન્યું. આ લીસ્ટમાં ન્યુયોર્ક અને બુડોપેસ્ટમાં ૧૨માંથી ૮, મોસ્કો અને એમ્સ્ટર્ડેમમાં ૭, બર્લિન અને લ્યુબલિયાનામાં ૬, લંડન અને વોર્સોમાં ૫ વોલેટ જ પાછા આવ્યા હતા.

પોર્ટુગલના લીસ્બન શહેરમાં ૧૨માંથી ફકત ૧ વોલેટ જ પાછુ આવ્યું અને આમ તે આ લીસ્ટમાં સૌથી તળિયે રહ્યું જયારે બ્રાઝીલના રીયો ડી જાનેરો, સ્વીઝરલેન્ડના જયુરીચ અને રોમાનીયાના બુખારેસ્ટમાં ૧૨માંથી ૪, ઝેક રીપબલીકના પ્રાગમાં ૩ તથા સ્પેનના માડ્રીડમાં ૨ વોલેટ જ પાછા આવ્યા.

આ માહિતીને શેર કરતા આનંદ મહિન્દ્રાએ ટવીટ કર્યુ કે તેમના માટે આ જરા પણ આશ્ચર્યજનક વાત નથી. ઉલટું આ પરિણામથી તેમનું મન સંતોષથી ભરાઇ ગયું છે કેમ કે બાકીના શહેરના લોકોની આવક સામે મુંબઇવાસીઓની આવક સરખાવવામાં આવે તો આ વધારે સન્માનજનક વાત છે.

(11:52 am IST)