Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભારતીય ટેલિકોમ સેકટરને મજબૂત બનાવતા ભારત સરકારના નિર્ણયને જિયો દ્વારા આવકાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ : ભારત સરકાર દ્વારા ટેલિકોમ સેકટર માટે જાહેર કરવામાં આવેલા સુધારા અને રાહત પેકેજને જિયો હૃદયપૂર્વક આવકારે છે, કારણ કે ભારતના ટેલિકોમ સેકટરને મજબૂત બનાવવા માટે આ પગલાં એકદમ સમયસર લેવાયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાંને આ પગલાં વધુ વેગવંતા બનાવશે અને ભારતને વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટીમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ નીવડશે.

જિયોનું મિશન ૧.૩૫ અબજ ભારતીયો સુધી ડિજિટલ ક્રાંતિના ફળ પહોંચાડવાનું છે. આ મિશન અંતર્ગત, અમે એ સુનિશ્ચિત કર્યું છે કે, ભારતીયો પાસે વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તા ધરાવતો અને સૌથી વધુ પ્રમાણમાં ડેટા હોય અને તે પણ આસાનીથી પોસાય તેવા ભાવે. સરકારે ટેલિકોમ સેકટરમાં કરેલા સુધારા ગ્રાહકોને નવા અને વધુ ફાયદા આપવા માટે પ્રોત્સાહક નીવડશે.

ડિજિટલ ઇન્ડિયાના વિઝનના લક્ષ્યાંકો અને સીમાચિન્હો સુધી પહોંચવા માટે અમે ભારત સરકાર અને આ ઉદ્યોગના અન્ય સભ્યો સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છીએ, જેનાથી અર્થતંત્રના દરેક ક્ષેત્રને ફળદ્રૂપ બનાવવા માટે આપણે સહિયારો પ્રયાસ કરી શકીએ તથા દરેક ભારતીયોની જીવનશૈલીને વધુ આસાન બનાવી શકીએ.

આ તબક્કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું કે, 'ટેલિકોમ સેકટર અર્થતંત્રને ધબકતું રાખનારું મહત્વનું ક્ષેત્ર છે અને ભારતને ડિજિટલ સોસાયટી બનાવવા માટેનું ચાવીરૂપ પરિબળ છે, હું ભારત સરકારે જાહેર કરેલા સુધારા અને રાહત આપતાં પગલાંને આવકારું છું જે ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે મદદરૂપ નીવડશે. આ સાહસિક પહેલ કરવા બદલ હું વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું.'

(1:06 pm IST)