Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નવી સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબોઃ કુલ ૭ પ્રધાનો

રાજકોટ, જામનગર, મોરબી, કેશોદ, લીંબડી, મહુવા અને ભાવનગર વેસ્ટના ધારાસભ્યને તક મળતા ખુશીનો માહોલ

રાજકોટ, તા. ૧૬ :. મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલની વરણી થયા બાદ આજે મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રમાંથી ૭ ધારાસભ્યોને તક મળી છે અને પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે.

રાજયના નવા મંત્રીમંડળમાં નો-રિપીટની થીયરી અપનાવવામાં આવતા જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, જવાહરભાઈ ચાવડા સહિતના સૌરાષ્ટ્રના મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે.

જેમા રાજકોટ બેઠકના અરવિંદભાઈ રૈયાણી (પટેલ), જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મોરબીના બ્રિજેશભાઈ મેરજા(પટેલ), કેશોદના દેવાભાઈ માલમ (કોળી), લીંબડીના કિરીટસિંહ રાણા (ક્ષત્રિય), ભાવનગર જિલ્લાના મહુવાના આર.સી. મકવાણા (કોળી) તથા ભાવનગર વેસ્ટના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી (પટેલ)નો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા મંત્રીમંડળમાં અનેક નવા ધારાસભ્યોને તક આપવામાં આવી છે. જેથી તેના વિસ્તારોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમા સૌરાષ્ટ્રમાંથી ૭ ધારાસભ્યોને તક મળતા તેના સમર્થકો અને પરિવારજનો દ્વારા મિઠાઈનું વિતરણ તથા ફટાકડા ફોડીને પસંદગીને વધાવી છે. નવા મંત્રીમંડળમાં નવા ધારાસભ્યોને તક આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યોને પડતા મુકાયા છે.

(3:14 pm IST)