Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

લોકડાઉનમાં ધંધો રોજગાર બંધ થયો તો યુવક બની ગયો સન્યાસી

પોતાની આ સ્થિતિ માટે સરકારને ગણાવે છે જવાબદાર

પ્રયાગરાજ તા. ૧૬: કોરોના વાયરસે આખી દુનિયાની સાથે ભારતમાં પણ લોકોને ઘણી અસર કરી છે. મહામારીના કાળમાં પ્રયાગરાજના આશુતોષ શ્રી વાસ્તવ લોક ડાઉનમાં એટલા અસરગ્રસ્ત થયા કે પોતાનું ગૃહસ્થ જીવન ત્યાગીને સન્યાસી બની ગયા. સડસડાટ ઇંગ્લીશ બોલનાર આશુતોષ હવે યોગીના કપડા પહેરીને જયાં ત્યાં ભ્રમણ કરે છે અને પરિવારની મોહ માયાથી દૂર સંગમના કિનારે એક વૃક્ષની નીચે રહે છે.

તેમણે પત્રકારને કહ્યું કે લોકડાઉનના કારણે તેમની નોકરી અને ટ્રાવેલ એજન્સીનો ધશ્રંધો બંધ થઇ ગયો. પછી ઘર ચલાવવું અઘરૃં બની ગયું હતું. પત્ની એકની એક દિકરી સાથે ઘર છોડીને જતી રહી નોકરી શોધવા ઘણાં ફાંફા માર્યા પણ નિષ્ફળતા જ મળી. તે કોઇ પાસે હાથ ફેલાવવા નહોતા ઇચ્છતા એટલે તેમણે સન્યાસ લઇ લીધો.

આશુતોષ મહારાજે જણાવ્યું કે તેણે ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. ગત દોઢ વર્ષોમાં ધર્મની માહિતી જાણીને હવે તે મંત્રોનું ઉચ્ચારણ પણ કરે છે. વિદેશી અથવા દક્ષિણ ભારતથી આવતા પ્રવાસીઓ પાસેથી ભીક્ષા માંગતી વખતે તેમની સાથે અંગ્રેજીમાં જ વાત કરે છે.

આશુતોષે કહ્યું કે હું મજબૂરીના કારણે સાધુ બન્યો છું. દેશના વડાપ્રધાન અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મારી આ સ્થિતિ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે કોરોના કાળમાં જયારે દરેક વ્યકિત હેરાન પરેશાન હતી ત્યારે આ બન્ને સરકારો પોતાના રાજકારણને ચમકાવવાનું કામ કરી રહ્યા હતા. લોકો મરી રહ્યા હતા પણ આ લોકો ઓકસીજનની વ્યવસ્થા કરવાના બદલે રામ મંદિર નિર્માણનું કામ કરી રહ્યા હતા.

(3:26 pm IST)