Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સત્ય સામે આવતા જ વિરોધીઓ ચૂપ : નરેન્દ્રભાઇ

રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદઘાટન કરતા વડાપ્રધાન

નવી દિલ્હી, તા.૧૬: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રીકા એવન્યૂમાં રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટની નવી વેબસાઈટને પણ લોન્ચ કરી. આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ ચીફ જનરલ બિપિન રાવત અને સેનાધ્યક્ષ જનરલ એમ એમ નરવણે પણ હાજર રહ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના ૭૫માં વર્ષમાં આજે આપણે દેશની રાજધાનીને નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓ મુજબ વિકિસત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારી રહ્યા છીએ. આ નવું ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેકસ આપણી સેનાઓના કામકાજને વધુ સુવિધાજનક, વધુ પ્રભાવી બનાવવાના પ્રયત્નોને વધુ સશકત  કરશે. તેમણે કહ્યું કે આજે જ્યારે ભારતની સૈન્ય તાકાતને આપણે દરેક રીતે આધુનિક બનાવવામાં લાગ્યા છીએ, આધુનિક હથિયારોને લેસ કરવામાં લાગ્યા છે, સેનાની જરૂરિયાતની ખરીદ તેજ થઈ રહી છે ત્યારે દેશની રક્ષા સાથે જોડાયેલા કામકાજ દાયકા જૂની રીતોથી થતું હોય તે કેવી રીતે શક્ય બની શકે?

પીએમ મોદીએ કહ્યું કે જે લોકો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટની પાછળ ડંડો લઈને પડ્યા હતા. ૭૦૦૦થી વધુ સેનાના ઓફિસરો જ્યાં કામ કરે છે તે વ્યવસ્થા વિકિસત થઈ રહી છે જેના પર બિલકુલ ચૂપ રહેતા હતા. તેમણે કહ્યું કે હવે કેજી માર્ગ અને આફ્રીકા એવન્યુમાં બનેલી આ આધુનિક ઓફિસ, રાષ્ટ્રની સુરક્ષા સંલગ્ન દરેક કામને પ્રભાવી રીતે ચલાવવામાં ખુબ મદદ કરશે. રાજધાનીમાં આધુનિક ડિફેન્સ એન્કલેવના નિર્માણ તરફ આ એક મોટું પગલું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે આપણે રાજધાનીની વાત કરીએ છીએ ત્યારે તે ફકત એક શહેર નથી હોતું. કોઈ પણ દેશની રાજધાની તે દેશની સોચ, સંકલ્પ, સામર્થ્ય, અને સંસ્કૃતિનું પ્રતિક હોય છે. ભારત તો લોકતંત્રની જનની છે. આથી ભારતની રાજધાની એવી જોઈએ જેના કેન્દ્રમાં લોકો હોય, જનતા હોય. આજે આપણે જ્યારે Ease of living અને Ease of doing business પર ફોકસ કરી રહ્યા છીએ, ત્યારે તેમા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરની પણ એટલી જ મોટી ભૂમિકા છે. સેન્ટ્રલ વિસ્ટા સંલગ્ન જે પણ કામ આજે થઈ રહ્યું છે તેના મૂળમાં પણ આ જ ભાવના છે.

પીએમ મોદીએ કહ્યું કે ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેકસનું જે કામ ૨૪ મહિનામાં પૂરું થવાનું હતું તે ફકત ૧૨ મહિનામાં પૂરું કરી લેવાયું છે. તે પણ ત્યારે જ્યારે કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિઓમાં લેબરથી લઈને તમામ અન્ય પડકારો સામે હતા. કોરોનાકાળમાં સેંકડો શ્રમિકોને આ પ્રોજેકટમાં રોજગાર મળ્યો છે. જ્યારે નીતિ અને નિયત ચોખ્ખા હોય, ઈચ્છાશકિત પ્રબળ હોય અને પ્રયાસ ઈમાનદાર હોય તો કઈ પણ અશક્ય હોતું નથી. બધુ શક્ય હોય છે. દેશની નવી પાર્લિયામેન્ટ બિલ્ડિંગનું નિર્માણ પણ નિર્ધારિત સમયની અંદર પૂરું થશે.

(3:27 pm IST)