Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બિહારમાં બે બાળકોના ખાતામાં જમા થઇ ગયા ૯૦૦ કરોડ રૂપિયા

લોકોએ પોતાનું ખાતુ ચેક કરવા લગાવી લાઇનો

આઝમનગર (બિહાર) તા. ૧૬ : બિહારના ખગડીયામાં એક યુવકના ખાતામાં ભૂલથી પાંચ લાખથી વધારે રકમ જમા થયા પછી તેણે આ રકમ મોદીએ મોકલી હોવાનું કહીને પાછી આપવાની ના પાડવાનો કિસ્સો હજુ ગરમ છે એ દરમિયાન કટિહારમાં બે બેંક ખાતાઓમાં ૯૦૦ કરોડથી વધારેની રકમ જમા થઇ છે. આટલી મોટી રકમ ખાતામાં જમા થવાથી બેંક અધિકારીઓ પણ આશ્ચર્યમાં છે. બંને ખાતામાં આટલી રકમ જમા થયાની ખબર પડતા જ અન્ય લોકોએ પણ પોતાના ખાતા ચેક કરવાનું શરૂ કરી દીધું. પોતપોતાના ખાતા ચેક કરવા ગયેલા લોકોના કારણે સીએસપી સેન્ટર પર લાઇનો લાગી ગઇ.

બિહારમાં શાળાના બાળકોના યુનિફોર્મની રકમ બેંક ખાતામાં જ જમા થાય છે .બુધવારે આઝમનગર પોલિસ સ્ટેશન હેઠળના પસ્તિયા ગામના બે બાળકો ગુરૂચંદ્ર વિશ્વાસ અને અસિત કુમાર યુનિફોર્મના પૈસા જમા થયા કે નહીં તે જાણવા એસબીઆઇના સીએસપી સેન્ટર ગયા હતા. તો તેમને ખબર પડી કે તેમના ખાતામાં તો કરોડો રૂપિયા જમા છે. આ સાંભળીને બાળકો જ નહીં આજુબાજુ ઉભેલા લોકો પણ ચોંકી ગયા હતા.

સીએસપીમાંથી જાણવા મળ્યું કે, વિદ્યાર્થી ગુરૂચંદ્ર વિશ્વાસના ખાતા નંબર ૧૦૦૮૧૫૧૦૩૦૨૦૮૦૮૧માં ૬૦ કરોડથી વધારે અને અસિત કુમારના ખાતા નંબર ૧૦૦૮૧૫૧૦૩૦૨૦૮૦૦૧માં ૯૦૦ કરોડથી વધારે રકમ પડી છે. બ્રાંચ મેનેજર મનોજ ગુપ્તાને પણ જ્યારે આ જાણ થઇ તો તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે બંને બાળકોના ખાતામાંથી પેમેન્ટ પર રોક લગાવીને કહ્યું કે, ઘટનાની તપાસ કરાઇ રહી છે. બેંકના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે સૂચના અપાઇ છે. તો ડીએલએમ એમ.કે.મધુકરે જણાવ્યું કે, આ બનાવની તેમને ખબર નથી. બેંકમાંથી જાણ કરાયા પછી આની તપાસ કરવામાં આવશે.

(3:29 pm IST)