Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

દિલ્હીમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ

આઉટર દિલ્હીના નજફગઢ વિસ્તારની ઘટના : અમિત નજફગઢના દિચાઉં કલાં ગામનો રહેવાસી હતો અને દિચાઉં મંડળમાં ભાજપનો મહામંત્રી હતો

નવી દિલ્હી, તા.૧૬ : બાહરી દિલ્હીના નજફગઢ વિસ્તારમાં બદમાશોએ ગત રાત્રિએ એક વ્યક્તિને બંદૂકની ગોળી વડે મોતને ઘાટ ઉતાર્યો હતો. હુમલાખોરોએ તે વ્યક્તિને ટાર્ગેટ કરીને એટલી હદે ગોળીબાર કર્યો હતો કે આજુબાજુનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બદમાશોએ જે વ્યક્તિની હત્યા કરી તેમની ઓળખ દિચાઉં મંડળમાં ભાજપના મહામંત્રી અમિત શૌકીન તરીકે સામે આવી છે. ૩ બદમાશોએ તેમની હત્યા કરી હતી અને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

નજફગઢના અજય પાર્ક ખાતે હત્યાની આ ઘટના બની હતી. બુધવારે રાત્રે ૮:૩૫ કલાકે બદમાશોએ અમિત શૌકીનને ગોળીઓ વડે રહેંસી નાખ્યો હતો. અમિત નજફગઢના દિચાઉં કલાં ગામનો રહેવાસી હતો અને દિચાઉં મંડળમાં ભાજપનો મહામંત્રી હતો. હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું.

જાણવા મળ્યા મુજબ મૃતક અમિત પોતાના ૨ સાથીઓ સાથે રાતે આશરે ૮:૦૦ વાગ્યે ગાડીમાં નજફગઢથી પોતાના ઘરે જવા નીકળ્યો હતો. તેઓ અજય પાર્ક પહોંચ્યા તે સમયે બ્લેક વર્ના કારે તેમને ઓવરટેક કર્યા હતા અને બદમાશોએ અમિત પર ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન અમિતના બંને સાથીઓ કારમાંથી ઉતરીને ભાગી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે, કારમાં ૩ હુમલાખોરો સવાર હતા અને તેમણે આશરે ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

 બદમાશો ભાગી ગયા ત્યાર બાદ અમિતના બંને મિત્રો ત્યાં પાછા આવ્યા હતા અને અમિતને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો.

હાલ પોલીસ ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ તપાસી રહી છે અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.

(7:28 pm IST)