Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ફ્રાન્સની સેનાએ ઈસ્લામિક સ્ટેટના નેતાને ઠાર માર્યૉ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્ન્રોએ ટ્વીટ કરી માહિતી આપી : અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવી નામનો આતંકવાદી સંગઠન ગ્રેટર સહારામાં આઈએસઆઈએસ નેતા હતો

નવી દિલ્હી, તા.૧૬  : ફ્રાંસીસી સેનાએ ગ્રેટ સહારા ખાતે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટના નેતા અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવીને ઠાર માર્યો છે. રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.  તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ગ્રેટર સહારા ખાતે ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ફ્રાંસીસી સેના દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો. વધુમાં લખ્યું હતું કે, સાહેલ ખાતે આતંકવાદી જૂથો સામેની અમારી લડાઈમાં આ એક વધુ મોટી સફળતા છે.

અદનાન અબૂ વાલિદ અલ-સાહરાવી નામનો આતંકવાદી સંગઠન ગ્રેટર સહારામાં આઈએસઆઈએસનો નેતા હતો. તે આઈએસઆઈએસ જીએસના નામે પણ ઓળખાય છે. અબૂ વાલિદ અને તેના અનુયાયીઓ અલ-કાયદના જૂથમાંથી અલગ થયા ત્યારે આ સંગઠન ઉભરી આવ્યું હતું. અબૂ વાલિદ પર ૫ મિલિયન ડોલરનો પુરસ્કાર હતો.

અબૂ વાલિદને પહેલી વખત મે ૨૦૧૫માં પોતાના સમૂહની આઈએસઆઈએસની કમાન મળી હતી અને આઈએસઆઈએસ જીએસ દ્વારા અબૂ વાલિદના નેતૃત્વમાં અનેક હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આ હુમલામાં ૪ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ માલિયાન સીમા પાસે ટોંગો, નાઈઝરના ક્ષેત્રોમાં એક સંયુક્ત અમેરિકી-નાઈઝીરિયન પેટ્રોલિંગ દળ પર હુમલાનો પણ સમાવેશ થાય છે. તેના પરિણામ સ્વરૂપ ૪ અમેરિકી સૈનિકો અને ૪ નાઈઝીરિયન સૈનિકોના મોત થયા હતા.

અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે અબૂ વાલિદને ખાસ રીતે વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો છે તથા ઈમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ ૨૧૯ અંતર્ગત આઈએસઆઈએસ જીએસને આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું છે.

(9:05 pm IST)