Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યની તપાસ કરાઈ

દેશના રસ્તાઓ સારા હોય તે જરૂરી છે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી : નીતિન ગડકરીએ ટોલ ટેક્સ મુદ્દે કહ્યું , જો તમને સારી સર્વિસ જોઈતી હોય તો તેના માટે પૈસા પણ આપવા પડશે

નવી દિલ્હી, તા.૧૬ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યની તપાસ કરી હતી.

આ ઉપરાંત તેમણે હરિયાણાના સોહના ખાતે એક કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે રસ્તા અને એક્સપ્રેસ-વે સાથે સંકળાયેલા કામકાજ અંગે માહિતી આપી હતી અને સાથે જ પોતાનો એક અનુભવ પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક ઘટના યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમના નવા નવા લગ્ન થયા હતા તે સમયે તેમના સસરાનું ઘર રસ્તાની વચ્ચે આવી રહ્યું હતું. રામટેક ખાતે તેમણે પત્નીને જણાવ્યા વગર જ સસરાના ઘર પર બુલડોઝર ચલાવડાવી દીધું હતું અને રસ્તો બનાવવામાં આવ્યો હતો.

નીતિન ગડકરીએ ટોલ ટેક્સ મુદ્દે કહ્યું કે, જો તમને સારી સર્વિસ જોઈતી હોય તો તેના માટે પૈસા પણ આપવા પડશે. લગ્ન તો ખુલ્લા મેદાનમાં પણ થઈ શકે પરંતુ તેના માટે પૈસા તો ખર્ચવા જ પડે છે.

ગડકરીએ જણાવ્યું કે, આપણા મંત્રાલયનું બજેટ એક લાખ કરોડ રૂપિયાનું છે પરંતુ અમે ૧૫ લાખ કરોડના રસ્તા બનાવી રહ્યા છીએ. જો અમે ઈન્વેસ્ટર્સ પાસેથી પૈસા લઈએ છીએ તો તેને પાછા પણ આપવા પડે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગુરૂગ્રામની આજુબાજુ ૨-૩ સ્માર્ટ સિટી બનાવવામાં આવી શકે છે. કોઈ પણ દેશના રસ્તાઓ સારા હોય તે જરૂરી છે.

વધુમાં જણાવ્યું કે, હું પણ એક ખેડૂત છું. સરકાર હવે ખેડૂતોને જમીન માટે વધારે પૈસા આપી રહી છે તે ખેડૂતો માટે સારી વાત છે. અમે ટ્રાફિક જામ, પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા માટે કામ કરીએ છીએ. મારૃં સપનું છે કે આપણે ટ્રકને પણ ઈલેક્ટ્રિસિટી વડે ચલાવી શકીએ.

(9:06 pm IST)