Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ફટાકડા ફોડવા પર પ્રતિબંધને પગલે મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણ ઓછું :17 વર્ષનો રેકોર્ડ તોડ્યો

સાઇલન્ટ ઝોન જાહેર કરાયેલા શિવાજી પાર્કમાં મોડી રાત સુધી લોકોએ ફટાકડા ફોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું

મુંબઈમાં દિવાળીની ઉજવણીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડાતા હોવાથી વાયુ પ્રદૂષણ થાય છે, પણ કોરોનાકાળની આ દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણનો ૧૭ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્યભરમાં લક્ષ્‍મીપૂજન સિવાયના દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો હોવાથી શનિવારે ૧૦૫.૫ ડેસિબલ જેટલું ધ્વનિ પ્રદૂષણ નોંધાયું હતું, જે ગયા વર્ષે ૧૧૨ ડેસિબલ રહ્યું હતું. જોકે સાઇલન્ટ ઝોન જાહેર કરાયેલા શિવાજી પાર્કમાં મોડી રાત સુધી લોકોએ ફટાકડા ફોડીને નિયમોનું પાલન ન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

  માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી કોરોનાનો સામનો કરી રહેલા મુંબઈગરાઓએ આ વખતે દિવાળીની ઉજવણીમાં સંયમ દર્શાવ્યો છે. મોટા ભાગના લોકોએ ફટાકડા ન ફોડ્યા હોવાનું ધ્વનિ પ્રદૂષણના જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાયું છે. શિવાજી પાર્ક સહિત કેટલાંક સ્થળને બાદ કરતાં મુંબઈભરમાં દિવાળીની રાત શાંત રહી હતી.
 મુંબઈના વાયુ પ્રદૂષણ બાબતે સફર ફાઉન્ડેશનના આંકડામાં પણ આ દિવાળીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૦૦થી નીચે રહ્યો હોવાનું જણાયું છે. દિલ્હી, પુણે અને અમદાવાદ જેવાં મોટાં શહેર કરતાં મુંબઈમાં દિવાળીના પહેલા અને બીજા દિવસે વાયુનું પ્રદૂષણ ઓછું રહ્યું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દિવાળીના તહેવાર વખતે મુંબઈમાં વાયુના પ્રદૂષણનો ઇન્ડેક્સ ૨૦૦થી વધુ રહ્યો હતો. જોકે ગયા વર્ષે એમાં થોડો સુધારો નોંધાયો હતો.

(11:41 am IST)