Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

23મીએ બિહાર વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે : પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે

ભાજપ નંદકિશોર યાદવને વિધાનસભાના સ્પીકર બનાવી શકે: પટના સાહિબ વિધાનસભાથી સતત સાતમી વખત જીત્યા છે

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ સોમવારે નીતીશ કુમારે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એનડીએમાં સામેલ દળ તરફથી 14 મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે. હવે બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાની છે. 23 નવેમ્બરે બિહારની નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે.

આ દરમિયાન સૌથી પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુક કરવામાં આવશે જે નવા ધારાસભ્યોને શપથ અપાવશે. ત્યારબાદ બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે. વિધાનસભા સ્પીકરની ચૂંટણીનો નિર્ણય ખુબ મહત્વનો છે. તેની પાછળ તે કારણ છે કે એનડીએની પાસે કુલ 125 ધારાસભ્ય છે જે સરકાર બનાવવાના આંકડાથી માત્ર ત્રણ વધુ છે. તેવામાં પ્રદેશમાં સરકારની સ્થિરતા માટે ભાજપ પોતાના ખાસ નેતાને આ પદ સોંપવા ઈચ્છે છે.

સૂત્રો પ્રમાણે ભાજપ નેતૃત્વ નંદકિશોર યાદવને વિધાનસભાના સ્પીકર બનાવી શકે છે. નંદકિશોર યાદવ પટના સાહિબ વિધાનસભાથી સતત સાતમી વખત જીત્યા છે. નંદકિશોર યાદવ બિહાર ભાજપના મોટા નેતા તરીકે જાણીતા છે. નંદકિશોર યાદવ પાછલી નીતીશ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે.

આ પહેલા શપથ ગ્રહણ બાદ સીએમ નીતીશ કુમારે મીડિયાને કહ્યુ કે, ફરી જવાબદારી મળી છે, તેને તે નિભાવશે. તો સુશીલ મોદી પર મીડિયાના સવાલોનો જવાબ આપ્યો નહીં. નીતીશ કુમારે કહ્યુ કે, સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી ન બનાવવાનો નિર્ણય ભાજપનો છે. આ સવાલ ભાજપને પૂછવો જોઈએ

(12:31 am IST)