Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

NCB સમક્ષ હાજર થયો સેમ ડિસોઝા :શાહરૂખખાનની મેનેજર સાથે 25 કરોડની ડીલ પર કર્યા મોટા ખુલાસા

હવે NCBની SIT ટીમ પણ સેમ ડિસોઝાને પૂછપરછ માટે બોલાવશે

મુંબઈ : એનસીબીની દિલ્હી ઓફિસની વિજિલન્સ ટીમે આજે સેમને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આર્યન ખાન કેસમાં કેસ દબાવવા માટે સેમે શાહરૂખ ખાનના મેનેજર સાથે 25 કરોડની ડીલના મામલામાં મોટા ખુલાસા કર્યા છે.

NCBની દિલ્હી સ્થિત વિજિલન્સ ટીમે સેમને બોલાવીને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો. સેમ ડિસોઝાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તેણે કહ્યું કે સુનીલ પાટીલ અને કિરણ ગોસાવીએ તેને ફોન પર કહ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તે નિર્દોષ છે. તેથી માનવતાની રીતે તેણે ગોસાવીનો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી દ્વારા સંપર્ક કરાવ્યો. ગોસાવી આ બાબતે કોઈ સોદો કરવા જઈ રહ્યો છે, તેની તેમને જાણ નહોતી. હવે NCBની SIT ટીમ પણ સેમ ડિસોઝાને પૂછપરછ માટે બોલાવશે.

સેમ ડિસોઝાએ કહ્યું કે ‘આર્યન ખાનને બચાવવા માટે ડીલની આખી યોજના સુનીલ પાટીલ અને કિરણ ગોસાવીએ ઘડી હતી. હું આ સોદામાં સામેલ નહોતો.

સોદો નક્કી થયા બાદ કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી પાસેથી ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા લીધા હતા. મને ખબર ન હતી કે આવી કોઈ ડીલ થઈ રહી છે. મને તેના વિશે પછીથી ખબર પડી. જો મેં ડીલમાં ભાગ લીધો હોત તો મારા ખાતામાં પણ થોડા પૈસા આવવા જોઈતા હતા?

સેમ ડિસોઝાએ પૂછપરછમાં જણાવ્યું કે તે કિરણ ગોસાવીને પહેલાથી ઓળખતો ન હતો. સુનિલ પાટીલ પાસેથી તેને ગોસાવીનો નંબર મળ્યો હતો. તેણે ગોસાવીનો નંબર એનસીબીને મોકલી આપ્યો હતો. એટલે કે સેમે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે એક તરફ તેણે ગોસાવીનો NCB અધિકારીઓ સાથે અને બીજી તરફ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી સાથે સંપર્ક કરાવ્યો હતો. પરંતુ પૂછપરછમાં સેમ ડિસોઝાએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેને કોઈપણ પ્રકારની ડીલ થઈ રહી હોવાની જાણ હતી.

 

સેમે જણાવ્યું કે જ્યારે આર્યનની નિર્દોષ હોવાની વાત સામે આવી ત્યારે તેણે ગોસાવીનો પૂજા અને NCB સાથે સંપર્ક માનવતાના નાતે સંપર્ક કરાવ્યો. સેમે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે 3 ઓક્ટોબરના રોજ ગોસાવી અને પૂજા દદલાણી વચ્ચે મુલાકાત થઈ હતી. પરંતુ તેને આ ડીલ વિશે કોઈ જાણકારી નહોતી. દરમિયાન, સેમના વકીલ પંકજ જાધવે કહ્યું કે સેમના જીવને ખતરો છે, તેથી તેને સુરક્ષા મળવી જોઈએ.

સેમ ડિસોઝાએ કહ્યું કે તે સમીર વાનખેડેને માત્ર એક જ વાર મળ્યો છે. એનસીબીના અન્ય અધિકારી વીવી સિંહ સાથે લીક થયેલી ઓડિયો ક્લિપ અંગે સેમે કહ્યું કે એનસીબીએ તેમને વીડ બેકરીના કેસમાં નોટિસ મોકલી હતી. તે ઓડિયો ક્લિપમાં તે સંબંધિત અધિકારી સાથે આ અંગે વાત કરી રહ્યો હતો. પરંતુ તેણે NCB અધિકારીઓ સાથે પોતાની ઓળખાણ હોવાની વાત છુપાવી ન હતી.

(12:00 am IST)