Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર : ઓપરેશન હજુ ચાલુ

નવાકદલના જમાલતા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો: એક પોલીસ કર્મી ઘાયલ

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. આ પહેલા રવિવારે શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે સાંજે નવાકદલના જમાલતા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હવે આતંક સામેની આ બદલાયેલી રણનીતિને સફળ બનાવવાની જવાબદારી BSFને સોપવામાં આવી છે. 14 વર્ષ બાદ BSF ફરી આતંકનો ખાત્મો કરવા મેદાનમાં આવ્યું છે. હવે કાશ્મીર ઘાટીમાં આતંકીઓને કબરમાં દફનાવવામાં આવશે તે નિશ્ચિત છે. હવે કાશ્મીરમાં આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ફરીથી BSFનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં BSFની બે ડઝન કંપનીઓ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવી રહી છે.

દરેક બીએસએફ કંપનીમાં સામાન્ય રીતે 90 થી 100 અધિકારીઓ અને જવાનો હોય છે. BSF શ્રીનગર, પુલવામા, શોપિયાં, અનંતનાગ, ગાંદરબલ, કુલગામ અને બારામુલ્લામાં તૈનાત છે. જમ્મુ અને કાશ્મીરમાં બીએસએફની તૈનાતી મહત્વની છે કારણ કે બીએસએફનો આતંકવાદીઓ સામેની કાર્યવાહીનો રેકોર્ડ સારો રહ્યો છે અને બીએસએફ પાસે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનનો જૂનો અનુભવ પણ છે.
આ વર્ષે 1 જાન્યુઆરી 2021 થી 30 સપ્ટેમ્બર 2021 સુધી, જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 117 આતંકવાદીઓ માર્યા ગયા. આ દરમિયાન 254 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓ પાસેથી 105 એકે-47, 126 પિસ્તોલ અને 276 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં પણ સુરક્ષા દળોએ 20 આતંકીઓને ઠાર કર્યા છે

(12:00 am IST)