Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

કોવિડ-૧૯ના કેસ ઓછા હોવાથી આગામી મહિનામાં ગુજરાતમાં હજારો લગ્ન યોજાશે

લગ્નની સીઝન શરૂ, સોના-ચાંદી સહિતના બજારમાં તેજીઃ લગ્નની સીઝનના કારણે હોલ, પાર્ટી પ્લોટ અને હોટેલના બૂકિંગ હાઉસફૂલઃ ડીજે અને બેન્ડવાળા તેમજ બગીવાળા પાસે પણ દિવસના બે-ત્રણ ઓર્ડર

નવી દિલ્હી, તા.૧૬: સોમવારે દેવઉઠી અગિયારસની સાથે લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. આગામી સંખ્યામાં અમદાવાદમાં ઘણા લગ્ન થવાના છે, જેના કારણે તમામ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. હોલ, પાર્ટી પ્લોટ અને હોટેલના બૂકિંગ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે. આ સિવાય કોરોના મહામારીના કારણે ડીજે અને બેન્ડવાળા તેમજ બગીવાળાનો ધંધો પણ છેલ્લા દોઢ-બે વર્ષથી ઠપ્પ થઈ ગયો હતો અને હવે તેમને પણ રોજના બે-ત્રણ ઓર્ડર મળતા થઈ ગયા છે.

સોના-ચાંદી બજાર, કાપડ બજાર, પગરખાં બજાર તથા ફૂલ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. તમામ હોટેલ તથા પાર્ટી પ્લોટ આગામી કેટલાક મહિનાઓ માટે બૂક થઈ ગયા છે.

દેવઉઠી અગિયારસથી શુભ પ્રસંગો શરૂ થઈ ગયા છે. મહામારીના કારણે દોઢ વર્ષથી લગ્નમાં સાવ ઓછી સંખ્યામાં મહેમાનોને બોલાવવાની મંજૂરી હતી. જેના કારણે ઘણા લોકોએ તેમના દ્યરે થનારા લગ્ન પ્રસંગને રદ કર્યા હતા. કોવિડ-૧૯ના કેસ ઓછા છે અને સરકારે મહેમાનોની સંખ્યામાં થોડી છૂટ પણ આપી છે ત્યારે આ વખતે ગુજરાતમાં લાખોની સંખ્યામાં લગ્નના આયોજન થઈ રહ્યા છે.

સોના-ચાંદીના બજારમાં છેલ્લા એક મહિનાથી તેજી જોવા મળી રહી છે. પગરખાં બજાર અને લગ્ન સમારોહને સંલગ્ન વસ્તુઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળી રહી છે. તમામ પાર્ટી પ્લોટ અને હોલ બૂક થઈ ગયા છે. જેના કારણે હોટેલના માલિકોને પણ રાહત થઈ છે. લોકો સ્વજનના લગ્નમાં ગિફ્ટ આપતા હોવાથી ગિફ્ટ શોપના માલિકને પણ સારી કમાણી થઈ રહી છે.

(10:02 am IST)