Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

કોરોના મહામારી કારણભૂત

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયોના પ્રમાણમાં ૧૩ ટકાનો ઘટાડો

નવી દિલ્હી,તા. ૧૬ : અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૦-૨૧માં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજયુકેશન દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

આજ સમયગાળામાં અમેરિકા જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એકંદરે ૧૫ ટકાનો દ્યટાડો નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારીને કારણે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું.

જોકે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા સર્વાધિક પસંદગીનો દેશ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મામલે ચીન બાદ અમેરિકા અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓમાં ભારત બીજે સ્થાને રહ્યું હતું, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દિલ્હીસ્થિત અમેરિકાની એલચી કચેરીના વરિષ્ઠ અધિકારીએ સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં અહેવાલની અમુક વિગતોની જાણકારી આપી હતી.

આ વરસે એકલા ઉનાળામાં જ ૬૨,૦૦૦ કરતા પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

(10:04 am IST)