Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજસ્થાન જતા પ્રવાસીઓ સાથે વાહનોના ટેકસના નામે ઠગાઇ

રાજસ્થાન RTO અને ત્યાંના ટાઉટ્સની મિલીભગતથી કૌભાંડઃ મહિલા-બાળકો પાંચ કલાકથી સુધી રઝળી પડયાં : કામચલાઉ પરમિટ આપવાની સંખ્યાબંધ દુકાનો ખૂલી ગઇ છે, દુકાનો પર ગવર્નમેન્ટે ઓફ રાજસ્થાનના બોર્ડ લગાવી લૂંટ ચલાવે છે

અમદાવાદ, તા.૧૬: ગુજરાતમાંથી રાજસ્થાનમાં ફરવા જઈ રહેલા સહેલાણીઓ વાહનોના ટેકસના નામે છેતરાઈ રહ્યાં છે. રાજસ્થાન આરટીઓ અધિકારીઓ અને દલાલોની મિલિભગતથી વાહનોના ઈ ટેકસનુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

રાજસ્થાન બોર્ડર પર પાલનપુર-આબુ રોડની વચ્ચે આવેલી માવલ ચેકપોસ્ટની આસપાસ કેટલાય દુકાનદારો વાહનોનો ઓનલાઈન ઈ ટેકસ જમા કરાવવાનો વ્યાપાર કરી રહ્યાં છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતા ટુરિસ્ટોએ પેસેન્જર વાહન જેટલા દિવસ રાજસ્થાનમાં રોકાવવાનુ હોય તેટલા દિવસો ટેકસ ભરવો પડે છે. આ પ્રકારની કામચલાઉ પરમીટ આપવાની સંખ્યાબંધ દુકાનો ખુલી ગઈ છે. દુકાનો પર ગર્વમેન્ટ ઓફ રાજસ્થાનના બોર્ડ લગાવી દેવાયા છે. માટે મોટાભાગના ટુરિસ્ટો આવી દુકાનો પાસેથી ઈ ટેકસ ભરાવડાવે છે.

તાજેતરમાં રાજપથ કલબના ડિરેકટર અનીલ શાહ પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. તેમની પેસેન્જર બસના ડ્રાઈવરે આવી જ એક દુકાનમાં જઈને ઈ ટેકસ ભરાવ્યો હતો. દુકાનદારે આની રિસિપ્ટ પણ આપી હતી. રિસિપ્ટ પર ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ, ટેકસ ઈ રિસિપ્ટનુ લખાણ છે. રિસિપ્ટની ઉપર મોટા અક્ષરોમાં ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખાણ અને રાજસ્થાન પરિવહન વિભાગનો લોગો છે. બસ ગુજરાત પરત આવતી હતી ત્યારે આરટીઓની ગાડીએ બસને ચેકપોસ્ટ નજીક રોકી હતી. ડ્રાઈવરે ઈ ટેકસ ચૂકવ્યાની પહોંચ બતાવી હતી. અધિકારીઓએ કહ્યું કે, તમારી આ પહોંચ બોગસ છે તમારે ૧૦ ગણો એટલે કે ૪૦ હજારનો દંડ ભરવો પડશે. આવુ કહીને મેમો પણ બનાવી દીધો હતો. ટુરિસ્ટોએ દલીલ કરી તો અધિકારીના એક દલાલે અનીલભાઈને સાઈડમાં લઈને કહ્યુ કે તમે ૨૦ હજાર આપી દો મામલો પતી જશે. નાણા આપવાની ના પાડતા ત્યાંના અધિકારીઓએ બસના તમામ ડોકયુમેન્ટસ લઈ લીધા હતા. અનીલભાઈએ ગુજરાતના સીએમઓના એક અધિકારી સાથે આરટીઓના અધિકારી સાથે વાત કરાવી હતી. ત્યાર બાદ ગુજરાતના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાથે વાત કરાવ્યા બાદ બસને છોડી હતી. બસમાં મહિલાઓ અને બાળકો પાંચેક કલાક સુધી રઝળ્યા હતા.

(11:50 am IST)