Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

૨૨ રૂપિયાનો શેર અત્યારે ૧૦,૦૦૦ની ઉપર : ૨૫ હજારનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ

ભારત રસાયણના શેરે રોકાણકારોને કર્યા માલામાલ

નવી દિલ્હી તા. ૧૬ : પેની સ્ટોકસ એટલે કે કિંમતના હિસાબે સસ્તા શેરમાં નાણા રોકવા જોખમકારક તો હોય છે પણ જો કંપનીના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ મજબૂત હોય તો આવા શેર જોરદાર રિટર્ન આપે છે. આવો જ એક સ્ટોક છે ભારત રસાયણ, જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ કેમીકલ મેન્યુફેકચરીંગ કંપનીના શેરોએ છેલ્લા ૨૦ વર્ષમાં રોકાણકારોને ૪૦,૦૦૦ ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. એટલે કે ભારત રસાયણના શેરમાં ૨૫૦૦૦ રોકનાર રોકાણકાર ૨૦ વર્ષમાં કરોડપતિ બની ગયા છે.

નેશનલ સ્ટોક એકસચેન્જમાં ૧૨ નવેમ્બર ૨૦૦૧ના દિવસે ભારત રસાયણનો શેર ૨૨ રૂપિયાના ભાવે બંધ થયો હતો. ૧૫ નવેમ્બર ૨૦૨૧ના દિવસે તે નેશનલ સ્ટોક એકસચેન્જ પર ૧૦,૧૦૦ રૂપિયાના ભાવ પર બંધ થયો. જો કોઇ રોકાણ કારે ૧૨ નવેમ્બર ૨૦૦૧ના દિવસે આ કંપનીના શેરમાં ૨૫,૦૦૦ રૂપિયા રોકયા હોય તો આજની તારીખે તે પૈસા ૧.૧૪ કરોડ હોય. તેવી જ રીતે જો કોઇ રોકાણકારે ૧૨ નવેમ્બર ૨૦૦૧ના દિવસે ભારત રસાયણના શેરોમાં ૧ લાખ રૂપિયા રોકયા હોય અને તેમાં રોકી રાખ્યા હોય તો અત્યારે તેની કિંમત ૪.૫ કરોડ હોય.

ભારત રસાયણના શેરોનો પર સપ્તાહનો હાઇ ૧૫૧૩૧.૭૦ રૂપિયા છે જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જમાં આ શેરનો પર સપ્તાહનો લો-લેવલ ૮૬૧૯.૯૫ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરોએ રોકાણકારોને ૧૫ ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. ભારત રસાયણનું માર્કેટ કેપ ૪૨૭૮ કરોડ રૂપિયા છે.

(12:50 pm IST)