Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો

સર્વિસ સેન્ટરમાં વાહન રીપેરીંગમાં બેદરકારી માટે ઉત્પાદક જવાબદાર નથી

નવી દિલ્હી, તા.૧૬: સુપ્રીમ કોર્ટે સોમવારે એક ચુકાદામાં કહ્યું કે ડીલર અથવા અધિકૃત સર્વિસ સેન્ટરની વાહનના રિપેરીંગમાં બેદરકારી માટે ઉત્પાદકને જવાબદાર ના ઠેરવી શકાય. આ કેસની વિગત અનુસાર, ૧૯૯૯માં ખરીદવામાં આવેલ હોન્ડા સીટી કાર ૨૦૧૦માં એકસીડન્ટના કારણે ડેમેજ થઇ હતી. કારને અધિકૃત સર્વિસ સેન્ટરમાં લઇ જવાઇ હતી.

બાદમાં આ કેસમાં સર્વિસ સેન્ટર અને કાર ઉત્પાદક પર બેદરકારીની ફરીયાદ કરીને જીલ્લા ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરવામાં આવી. જીલ્લા ફોરમે ફરીયાદ સ્વીકારી પણ એ માનવાની ના પાડી કે આ કેસમાં કાર ઉત્પાદકની કોઇ ભૂલ છે, કેમ કે ફરીયાદમાં એવું કયાંય નથી કહેવાયું કે કારના ઉત્પાદનમાં કોઇ ખામી હતી.

આ ચુકાદો રાજય ગ્રાહક પંચમાં પણ જેમનો તેમ રહ્યો પણ રાષ્ટ્રીય ગ્રાહક પંચે આ ચુકાદાને ફેરવી નાખ્યો અને કાર ઉત્પાદકને પણ દોષી ગણાવ્યા. પંચે હુકમ કર્યો કે ઉત્પાદક ફરીયાદીની બ્રાંડ ન્યુ કાર આપે અને સાથે અઢી લાખ રૂપિયા વળતર પણ ચૂકવે. પંચનું કહેવું હતું કે ગ્રાહકને નવી કાર આપવાથી ઉત્પાદકની શાખ વધશે. આ આદેશને ઉત્પાદકે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

જસ્ટીસ યુયુ લલિતની બેંચે આદેશમાં કહ્યું કે જયારે કારમાં કોઇ મેન્યુફેકચરીંગ ડીફેકટ નથી તો ઉત્પાદકને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય. સુપ્રીમ કોર્ટે જીલ્લા અને રાજય ગ્રાહક મંચોના આદેશને યોગ્ય ગણાવ્યો જેમણે કાર રીપેરીંગ માટે ડીલર અને સર્વીસ સેન્ટરને જવાબદાર ગણાવ્યા હતા.

(12:50 pm IST)