Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સહેલાણીઓને જન્નતમાં જતા હોય તેવો આહ્લાદક અહેસાસ કરાવતી ગરતાંગ ગલી

ઉત્તરાખંડનુ લદાખ એટલે નેલાંગઘાટીમાં આવેલ આ જગ્યાના રમણિય નઝારાનો અનુભવ લેવા જેવો છે :ઐતિહાસિક ગણાતો લાકડાનો પુલ એક સમયે તિબેટનો ભાગ હતો : ૧૧ હજાર ફુટની ઉંચાઇ : ગંગોત્રી ધામ જતા પ્રવાસીઓ માટે સુંદર મજાનું ડેસ્ટીનેશન

રાજકોટ તા.૧૬ : ભારતના લોકો તથા સહેલાણીઓને હરવા ફરવા સંદર્ભે સરકારશ્રી દ્વારા કોરોના ગાઇડ લાઇન્સમા નિયમ મુજબ છુટછાટ મળી રહી છે ત્યારે ફરવાના શોખીન સહેલાણીઓ સતત નવા નવા ડેસ્ટીનેશન્સની શોધમાં રહેતા હોય છે. તાજેતરમાં જ પુર્ણ થયેલ દિવાળીની રજાઓમાં પણ પસંદગીના ડેસ્ટીનેશન્સ ઉપર લાખો સહેલાણીઓ ઉમટી પડયા હતા અને દિવાળીની રજાઓને યાદગાર બનાવી હતી.

 સહેલાણીઓને જન્નત (સ્વર્ગ)મા જતા હોય તેવો યાદગાર અને આહ્લાદક અહેસાસ કરાવતુ ડેસ્ટીનેશન એટલે 'ગરતાંગ ગલી' ઉતરાખંડના લદાખ તરીકે ઓળખાતી નેલાંગ ઘાટીમા આવેલ. આ જગ્યાના રમણીય નઝારાનો અનુભવ લેવા જેવો છે. ગંગોત્રી ધામ જતા પ્રવાસીઓ માટે સુંદર મજાનું નવુ ડેસ્ટીનેશન સાબિત થઇ રહ્યુ છે. હરસિલ યાત્રા દરમિયાન ભૈરવઘાટી પહોચીને ઐતિહાસિક ગરતાંગ ગલીની સીડીઓનો દીદાર નઝારો ખૂબ રોમાંચક હોવાનુ સંજય શેફર્ડ જણાવી રહ્યા છે. જો કે આ ત્રણ કિલોમીટરનો ટ્રેક ખુબ મુશ્કેલ હોવાનુ જણાવે છે પરંતુ રસ્તાની સુંદરતા એવી છે કે જાણે જન્નતના રસ્તા ઉપર ચાલી રહ્યા હોય.

 સાંકળા રસ્તાઓ ઉંચા ઉંચા વૃક્ષો અને શાંત પર્વતો ઉપર તેજ પવનોના સુસવાટાના અનુભવ સાથે ચાલતા ચાલતા ત્રણથી ચાર કલાકના મુશ્કેલ ચઢાણ પછી એક સુંદર પુલ આવે છે કે જેને 'ગરતાંગ ગલી' ના નામથી ઓળખવામાં આવે છે. ઉતરાખંડના ઉતરકાશી જીલ્લાની નેલાંગ ઘાટીમાં આવેલ. આ લાકડાનો પુલ એક સમયે તિબેટનો ભાગ ગણાતો હતો. પુલનુ નિર્માણ પેશાવરથી આવેલ પઠાણો દ્વારા અંદાજે દોઢસો વર્ષ પહેલા કરવામા આવ્યુ હતુ કે જેથી ભારત તિબેટ વચ્ચેના વેપારને નવી દિશા મળી શકે પરંતુ અમુક પરિસ્થિતિને કારણે ૧૯૬૨માં ભારત ચીનના યુધ્ધ પછી આ પુલ બંધ કરવો પડયો હતો.

આઝાદી પહેલા તિબેટ સાથે વેપાર માટે નેલાંગ વેલી હોવાથી આ તિબેટ ટ્રેક બનાવાયો હતો અને ગરતાંગ ગલીનો આ ટ્રેક ભૈરવઘાટી નજીક આવેલ ચટ્ટાનવાળા ભાગમાં લોખંડના સળીયા મુકીને અને તેની ઉપર લાકડા પાથરીને તૈયાર કરવામા આવ્યો હતો. આ રસ્તા ઉપરથી ઉન, ચામડામાંથી બનેલા વસ્ત્રો તથા નિમક (મીઠુ) લઇને તિબેટથી ઉતરાકાશીના બાડાહાટ પહોચાડાતા હતા.

આ પુલ બંધ થઇ જવાથી લોકોની આવજા બંધ થઇ ગઇ હતી. આ પુલ ઉપરથી નેલાંગ ઘાટીનું રોમાંચક દૃશ્ય જોવા મળતુ હતુ. ઘણા પ્રવાસીઓ આ જગ્યાની સુંદરતાને માણવા માંગતા હતા. નેવાંગઘાટી સામાન્ય રીતે સંવેદનશીલ ક્ષેત્ર ગણાય છે. જેના કારણે સદીઓથી ભારત તિબેટ વચ્ચેના વેપારની સાબિતી ગણાતા આ પુલને ૧૯૬૨ના ભારત ચીનના યુધ્ધ પછી પરિસ્થિતિ મુજબ ભારત સરકારે ઉતરકાશીના અંતરીયાળ ક્ષેત્રમા પ્રવાસીઓ માટેની આવન જાવનને પ્રતિબંધીત કરી દીધી હતી. અહી રહેતા ગામના લોકોને હરસિલ નજીક આવેલ બગોરી ગામમા વસવાટ કરાવી દીધો હતો. અહીના ગ્રામજનોને એક નિશ્ચિત પ્રક્રિયામાં પસાર થયા બાદ વર્ષમાં એક વખત પુજા અર્ચન કરવા માટેની મંજુરી આપવામા આવતી હતી, પરંતુ પ્રવાસીઓ માટે આ જગ્યા સંપુર્ણ બંધ કરવામાં આવી હતી.

ઇ.સ.૨૦૧૫માં સમગ્ર દેશના પ્રવાસીઓને નેલાંગઘાટી સુધી જવાની ગૃહ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જેના હકારાત્મક પરિણામો જોવા મળ્યા. પર્યટનના આ સ્થળ ક્ષેત્રને ઘણુ મહત્વ મળ્યુ અનુ ગંગોત્રીધામ જતા પ્રવાસીઓને વધુ એક સુંદરમજાનું ડેસ્ટીનેશન મળ્યુ.

આ જગ્યાનું ઐતિહાસિક મહત્વ જોઇએ તો ગરતાંગ ગલીની સીડી પગથિયાનું પુનઃ નિર્માણ કાર્ય પણ પુર્ણ થઇ ગયુ છે. સરકારનુ માનવુ છે કે આનાથી પ્રવાસને વેગ મળશે. ગરતાંગ ગલીની અંદાજે ૧૫૦ મીટર લાંબી સીડી હવે એક નવા રંગ રૂપ સાથે જોવા મળશે. જે આ સ્થળની સુંદરતામાં ઔર વધારો કરે છે. અગિયાર હજાર ફુટની ઉંચાઇ ઉપર બનેલ આ સીડી (પગથિયા) એન્જીનિયરીંગનો અદભૂત નમુનો છે.

ગરતાંગ ગલીની ભૌગોલીક સ્થિતિની વાત કરીએ તો તે ભૈરવ ઘાટીથી નેલાંગને જોડતા વોકીંગ ટ્રેક ઉપર ગંગાની ઘાટીમાં આવેલ છે. ચીનની સરહદ સાથે પણ નજીકમા સંકળાયેલ છે. આ જ સરહદ ઉપર ભારતની સુમલા, મંડી, બ્લ્યુ પાણી, ત્રિપાની, પીડીએ તથા જાદુંગ નામની અંતિમ ચોકીઓ આવેલી છે.(૪૫.૨)

ગરતાંગ ગલી પહોંચવુ કઇ રીતે? રહેવું કયાં?

ઉતરાખંડ રાજયના ઉતરકાશી જીલ્લામા આવેલ નેલાંગ ઘાટીમા આ પુલ આવેલ છે, જયા જવા માટે સૌપ્રથમ ઉતરકાશી પહોંચવુ પડે અને ત્યાંથી હરસિલ થઇને ભૈરવઘાટીની યાત્રાનો રૂટ લેવાનો હોય છે. ઉતરકાશી જવા માટે ગુજરાતના અમદાવાદ સહિતના દેશના મુખ્ય શહેરોમાંથી બસ, ટ્રેઇન, કાર કે ફલાઇટ મારફત પહોચી શકાય છે. ટ્રાવેલ એજન્ટ મારફત કે પછી ઓનલાઇન ટિકીટ, હોટલ, રૂમ બુકીંગ કરાવી શકાય છે.

ઉતરકાશી અને તેની આજુબાજુમાં અંદાજે ૫૦૦ રૂપિયાથી લઇને ૫૦૦૦ રૂપિયા સુધીના ટેરીફ વાળા ગેસ્ટહાઉસ, હોટલ્સ વગેરે ઉપલબ્ધ છે. અમુક કિસ્સામાં ડિસ્કાઉન્ટ પણ મળતુ હોય છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય છે.ACCOMMODATIONS  IN UTTARKASHI INDIA

(2:31 pm IST)