Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમેરિકાને નવા ઉપપ્રમુખ મળે તેવા એંધાણ

જો બાઇડેન અને કમલા હેરિસ વચ્ચે અણબનાવ શરૂ ? : બાઇકન મોટો નિર્ણય લેવાની તૈયારીમાં : કમલા હેરિસ અને તેમના ટોચના સહયોગી સરહદ સંકટ જેવા મુદ્દાઓને લઇને બાઇડેનથી નારાજ : જયારે ટીમ બાઇડેનને લાગે છે કે હેરિસ પાસેથી જેવી અપેક્ષાઓ હતી, તેઓ તેના પર ખરા ઉતરી રહ્યા નથીઃ કમલાને મહત્વના નિર્ણયોથી બાકાત રખાય છે?

વોશિંગ્ટન, તા. ૧૬ : શું અમેરિકાને જલદી કોઈ નવા ઉપરાષ્ટ્રપતિ મળી શકે છે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને કમલા હેરિસ વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો છે. કહેવાય છે કે બંનેમાં અનેક મુદ્દાઓને લઈને મતભેદ છે. આવામાં બાઈડેન ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર ભારતીય મૂળના કમલા હેરિસની જગ્યાએ કોઈ બીજાને બેસાડી શકે છે. જો કે વ્હાઈટ હાઉસે હાલ તો આવી ખબરોને ફગાવી હોવાનું સી.એન.એન. સમાચાર સંસ્થા નોંધે છે.   CNN ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને લાગે છે કે તેમને મુખ્ય કામકાજથી અલગ થલગ કરવામાં આવી રહ્યા છે. વ્હાઈટ હાઉસના આંતરિક સૂત્રોએ સીએનએનને જણાવ્યું કે કમલા હેરિસ અને તેમના ટોચના સહયોગી સરહદ સંકટ જેવા મુદ્દાઓને લઈને બાઈડેનથી નારાજ છે. જ્યારે ટીમ બાઈડેનને લાગે છે કે હેરિસ પાસેથી જેવી અપેક્ષાઓ હતી, તેઓ તેના પર ખરા ઉતરી રહ્યા નથી.  એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ બાઈડેન કમલા હેરિસને પાછલા બારણે સુપ્રીમ કોર્ટમાં નિયુકત કરીને ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર કોઈ બીજાને બેસાડી શકે છે. આમ તો વ્હાઈટ હાઉસ હેરિસને હટાવવાની ખબરોને અફવા ગણાવી રહ્યું છે. પ્રેસ સચિવ જેન સાકીએ આ ખબરને ફગાવતા કહ્યું કે કમલા હેરિસ એક મહત્વપૂર્ણ ભાગીદાર અને સાહસિક નેતા છે. જેમણે દેશની સામે આવેલા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કર્યો છે. આ બાજુ હેરિસના એક ઉચ્ચસ્તરીય પૂર્વ સહયોગીએ સીએનએનને જણાવ્યું કે હેરિસને હટાવવા માટે સરકારને બસ એક જ ભૂલનો ઈન્તેજાર છે.

આ સમગ્ર મામલાને રાજનીતિના ચશ્માથી પણ જોઈ શકાય છે. હકીકતમાં ડેમોક્રેટિક પાર્ટીએ હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે ૨૦૨૪માં દેશમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઈડેન ચૂંટણી લડશે કે નહીં. ૨૦૨૪માં બાઈડેનની ઉંમર ૮૦ વર્ષ થશે. આવામાં જો તેઓને મેદાનમાં ન ઉતારવામાં આવે તો કમલા હેરિસ આ પદ માટે પોતાની દાવેદારી ઠોકી શકે છે. આથી માનવામાં આવી રહ્યું છે કે હેરિસની પાંખ કાતરવાની કોશિશ થઈ રહી છે..

(3:11 pm IST)