Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સૌરભ કૃપાલ દેશનાં પહેલાં સમલૈંગિક જજ બની શકે છે

SC કોલેજિયમે આપી મંજૂરી

નવી દિલ્હી, તા.૧૬: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાનો નિર્ણય કર્યો છે, સૌરભ કૃપાલ ભારતના પહેલાં સમલૈંગિક જજ બની શકે છે. જો સૌરભ કૃપાલને દિલ્હી હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા તો તે ન્યાયતંત્રના ઇતિહાસમાં એક મિસાલ તરીકે જોવામાં આવશે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પહેલી વખત કોઈ સમલૈંગિકને જજ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ સંદર્ભે જાણકારી આપતાં સુપ્રીમ કોર્ટ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ૧૧ નવેમ્બરે કોલેજિયમની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌરભ કૃપાલના નામની ભલામણ કરવામાં આવી હતી. આ પહેલાં આ વર્ષે માર્ચમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કેન્દ્ર સરકારને સૌરભ કૃપાલને જજ બનાવવા અંગે પૂછ્યું હતું અને કેન્દ્ર સરકારને આ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવવા કહ્યું હતું.

એવું પહેલી વખત નથી થયું કે સૌરભ કૃપાલને જજ બનાવવાની વાત કરવામાં આવી છે. આ પહેલાં ચાર વખત એવું થઈ ચૂકયું છે. જયારે તેમના નામની ચર્ચા થઈ તો બધાએ પોતાનો અલગ-અલગ મત રજૂ કર્યો હતો. સૌરભ કૃપાલના નામની ભલામણ સૌથી પહેલાં કોલેજિયમે ૨૦૧૭માં દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાને લઈને કરી હતી.

કેન્દ્ર સરકાર સૌરભને જજ બનાવવા અંગે પહેલાં વિરોધ કરી ચૂકી છે. સરકારને વાંધો આ વાતનો છે કે સૌરભના પાર્ટનર એક યુરોપિયન નાગરિક છે અને સ્વિસ દૂતાવાસમાં કામ કરે છે. સરકાર તેને લાભના પદ (Conflict of Interest)નો મામલો માને છે.

એપ્રિલમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં સૌરભ કૃપાલે આ અંગે કહ્યું હતું કે, 'મારા ૨૦ વર્ષ જૂના પાર્ટનરના વિદેશી મૂળને સુરક્ષા માટે જોખમ કહેવું એ બનાવટી કારણ છે. તે માનવા માટે મજબૂર કરે છે કે આ સંપૂર્ણ સત્ય નથી. તેથી જ મને લાગે છે કે મારી સેકસ્યુઆલિટીને કારણે મારા નામ પર વિચાર કરવામાં આવ્યો નથી.'

સૌરભ કૃપાલે દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજયુએશન કર્યા બાદ ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજયુએશન (Law) કર્યું. સૌરભ કૃપાલ લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ કરી ચૂકયા છે.

તેમણે યુનાઇટેડ નેશન્સ સાથે જીનિવામાં પણ કામ કર્યું છે. સૌરભ કૃપાલને 'નવતેજ સિંહ જોહર વર્સિસ ભારત સંઘ' કેસ માટે ઓળખવામાં આવે છે. તેઓ કલમ ૩૭૭ હટાવવા માટે અરજીકર્તાના વકીલ હતા. સપ્ટેમ્બર ૨૦૧૮માં કલમ ૩૭૭ સંબંધિત જે કાયદો હતો, તેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો.

(3:13 pm IST)