Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષથી વ્યકિતની આવકમાં ૬.૭ ટકાનો વધારો

દેશમાં યુવકો કરતાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું

નવી દિલ્હી, તા.૧૬: દરેક જણના સારા ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ આવશ્યક છે. દેશમાં શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષથી એક વ્યકિતની સરેરાશ આવકમાં આશરે ૬.૭ ટકાનો વધારો થાય છે. દેશમાં યુવકો કરતાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું છે, એમ એક નવા અભ્યાસમાં માલૂમ પડ્યું છે. NGO- પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો કે સરકારને યુવા લોકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણમાં મૂડીરોકાણ કરવાની જરૂર કેમ છે?

આ અભ્યાસમાં માધ્યમિક ડેટાના વિશ્લેષણને આધારે માલૂમ પડ્યું હતું કે દેશમાં શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષમાં એક વ્યકિતની સરેરાશ આવકમાં વધારો થાય છે. વળી, યુવકોની તુલનાએ યુવતીઓથી વળતર વધુ મળે છે. આ ઉપરાંત શિક્ષણના પ્રત્યેક વધારાના વર્ષમાં મહિલાઓના માસિક પગારમાં ૮.૬ ટકાનો વધારો થાય છે, જયારે પુરુષોમાં એ ટકાવારી ૬.૧ ટકા છે.

આ અભ્યાસમાં એ પણ માલૂમ પડ્યું હતું કે સ્કૂલના શિક્ષણના પૂરું થવાથી પ્રત્યેક વ્યકિતની ભવિષ્યની કમાણીમાં રૂ.૪.૫ અને રૂ.૮.૨ના વચ્ચે આર્થિક લાભ થવાની અપેક્ષા છે. આગામી છ વર્ષોમાં કિશોરોમાં પ્રત્યેક માનસિક આરોગ્ય સુવિધાઓ આપવા માટે કુલ ખર્ચ રૂ. ૮૧૩૪ કરોડ અંદાજવામાં આવ્યો છે, જયારે સારવાર ખર્ચને પહોંચી વળવા માટે પ્રતિ વર્ષ રૂ. ૨૭૪૫ કરોડની જરૂર પડશે.

અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ કરતાં સ્કૂલે નહીં જતા વિદ્યાર્થીઓને આર્યન અને ફોલિક એસિડની કમી પૂરી કરવા માટેની ગોળીઓનો ખર્ચ પ્રતિ વર્ષ આશરે રૂ. ૩૦૦૦ કરોડનો થશે.

(3:14 pm IST)