Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જમીન સંપાદનમાં ગેરરીતિ થયાની ચર્ચાઃ મામલો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો

મનસ્વી રીતે વળતર ચુકવાયાનું બહાર આવતા ખળભળાટ

નવી દિલ્હી  તા. ૧૬ : રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રતિ ચોરસ મીટરે રૂ.૮૫થી રૂ.૨૫૦ના મૂલ્યની જમીન સામે રૂ.૧૧૦૦થી રૂ.૧૫૦૦ જેટલુ ઊંચુ સંપાદન વળતર ચૂકવ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચોટીલા હાઈવે નજીક ૨૫૩૪ એકરમાં એરપોર્ટનું ખાતમૂર્હત થાય તે પહેલા જ ભાજપના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓએ મૂળ ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીનો ખરીદીને સંપાદનના તબક્કે પોતાની જ સરકારપાસેથી ૪૫૦ ટકા જેટલું વધુ વળતર વસુલી નાગરીકોના ટેકસના કરોડો રૂપિયાથી ભ્રષ્ટાચારનો રૂપિયો દૂધે ધોહ્યાનો રેલો છેક દિલ્હીપહોંચ્યો છે. તેમ અમદાવાદના અખબારમાં પ્રસિધ્ધ થતાં ખળભળાટ મચી ગયો છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ અને ન્યાયાલય સહિતના સરકારી કચેરીઓ માટે થયેલા જમીન સંપાદનમાં પણ ભાજપના નેતાઓ, મોટા ગજાના પદાધિકારીઓએ IAS ઓફિસરોની સાઠગાંઠમાં રૂ.૧૦૦ કરોડથી વધારે સરકારી રકમ સેરવ્યાની ફરિયાદો ઊઠી છે.

આ સંદર્ભે દિલ્હીથી થયેલી અનઔપચારીક તપાસમાં મહેસૂલ વિભાગની જમીન સંપાદન નીતિને બદલે મનસ્વીપણે વળતર ચૂકવ્યાનું બહાર આવ્યુ છે. નવી જમીન સંપાદન નીતિ મુજબ જંત્રી સહિતના સ્થાનિક પરીબળોને આધારે મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી બજાર કિંમત ઉપર વધુમાં વધુ ૨૫ ટકા જેટલું વળતર ખેડૂતોને ચૂકવી શકાય છે. પરંતુ, જયાં એરપોર્ટ આકાર લઈ રહ્યું છે તે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની પથરાળ, બિનપિયત જમીન માટે મહેસૂલી રાહે મૂલ્યાકનની મહત્તમ બજાર કિંમતથી ૪૫૦ ટકાથી પણ વધારે વળતર ચૂકવાયુ છે. સરકારે જેમને વળતર ચૂકવ્યુ છે તે જમીન માલિકો પૈકી કેટલાક તો રાજકોટ પાસે એરપોર્ટનો ઈરાદો જાહેર થયા પહેલા અને તે પછીના ટૂંકાગાળામાં જ મહેસૂલી રેકર્ડમાં દાખલ થયા છે. એટલે કે મૂળ ખેડૂતો પાસેથી ખરીદી કરી છે, જેમાં ભાજપના મોટા માથાના સગાં- સબંધી, તેમની સાથે જોવા મળતા જાણિતા ચહેરાઓ છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ- ચોટીલા હાઈવે નજીક હિરાસર ગામે તૈયાર થનાર એરપોર્ટ માટે હિરાસર ગામની ૬૫૦ એકર અને સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી, ગરીડા, દોશીપુરા, ધાની વડલા જેવા ગામોની ૧૬૮૦ એકર જમીનનું સંપાદન થઈ રહ્યું છે.

તત્કાલિન પ્રસિધ્ધ થયેલ વિગત મુજબ સરકારમાં રાજકોટ- ચોટીલા હાઈવે નજીક એરપોર્ટ માટે જમીન સંપાદન માટે CMO, ઉદ્યોગ વિભાગ અને રાજકોટના કલેકટરે એવોર્ડની કિંમત નક્કી કરીને મહેસૂલી ચોપડે ચઢેલા ખેડૂતોને કાયદાથી વિરૂદ્ઘ ઊંચુ વળતર ચૂકવ્યું હતું. પાછળથી કોરોનાના સેકન્ડ વેવ વખતે બાકી રહેલા ત્રણેક સર્વે નંબરો માટે ખેડૂતો તૈયાર થતા દોઢ વર્ષથી ચાલતી સંપાદન પ્રક્રિયામાં નાણાં વિભાગ સમક્ષ જયારે દરખાસ્ત આવી ત્યારે મહેસુલ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જો કે, એરપોર્ટ માટે સંપાદનની આખી પ્રક્રિયામાં અગાઉ આવો કોઈ અભિપ્રાય લેવાયો નહોતો. આથી મહેસુલ વિભાગે અભિપ્રાય આપવાનું ટાળ્યુ હતુ. એમ છતાંયે મુલ્યાંકન કમિટિએ અગાઉ અન્ય સર્વે નંબરો માટે ચૂકવ્યા મુજબ મુલ્યાકંન કરીને વળતર આપ્યુ હતુ. આ એક કિસ્સા બાદ આસ્તે આસ્તે સમગ્ર જમીન સંપાદન કાંડનો રેલો દિલ્હી પહોંચ્યો હતો. જેની અનૌપચારિક તપાસ શરૂ થઈ છે. (

(3:35 pm IST)