Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હા મોજ હા..! અમેરિકામાં કીર્તિદાન ગઢવીએ બોલાવી એવી રમઝટ કે મહિલાઓએ કર્યો ડોલરનો વરસાદ

જયારે ગુજરાતના લોકપ્રિય કીર્તિદાન ગઢવીનો લોકડાયરો હોય અને પૈસાનો વરસાદ ના થાય એવું તો બને જ નહીં

નવી દિલ્હી, તા.૧૬: જયારે ગુજરાતના લોકપ્રિય કીર્તિદાન ગઢવીનો લોકડાયરો હોય અને પૈસાનો વરસાદ ના થાય એવું તો બને જ નહીં. ગુજરાતમાં તો તેમના ડાયરામાં જશ્ન સાથે પૈસા ઉડે જ છે પરંતુ વિદેશમાં પણ તેમના ડાયરાની જમાવટ કંઈ ઓછી નથી હોતી. કીર્તિદાન ગઢવી ૧૬ સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમવારે  અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાનનો લોકડાયરો યોજાયો હતો. જેમાં કીર્તિદાને પોતાના ગાયનથી જમાવટ પાડી હતી. એમાંય 'લીલી લીંબડી રે..' ગીત ગાતાં જ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ફુલ મોજમાં આવી ગયા હતા અને  કીર્તિદાન ગઢવી પર પૈસાનો વરસાદ કરવા લાગ્યા હતાં. અમેરિકામાં  લોકડાયરામાં મોજ આવતાં ગુજરાતી મહિલાઓએ પણ કીર્તિદાન પર ડોલરની થપ્પી ઉડાડી હતી. આ સાથે જ તે મહિલાઓ ગીતના રંગમાં રંગાઈ હતી.  લોકડાયરામાં કીર્તિદાને ગુજરાતી સાથે સાથે હિન્દી ફિલ્મોના ગીતો ગાતાં સૌ કોઈ આનંદમાં આવી ગયા હતા અને ઝુમવા લાગ્યા હતા. મહિલાઓ તો એટલી મોજમાં આવી ગઈ હતી કે સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓનો અનેરો જ ઉત્સાહ જોવા મળે છે, પછી તે દેશ હોય કે વિદેશ.અમેરિકામાં લોકડાયરાની રમઝટમાં એક અમેરિકન નાગરિક પણ કીર્તિદાન ગઢવીના ગીત પર ફીદા થઈ ગયો હતો અને પૈસા ઉડાવવા લાગ્યો હતો. 

આ પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો અને મન મુકીને ડાયરાને માણ્યો હતો.

(3:55 pm IST)