Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વરિષ્ઠ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ એરલાઇન કંપની અકાસા એર માટે 72 બોઇંગ એરોપ્લેનનો ઓર્ડર આપ્યો

નવી એરલાઇન દ્વારા ભારતના વધુને વધુ લોકોને હવાઈ મુસાફરી કરાવવાનું લક્ષ્ય

નવી દિલ્હી : વરિષ્ઠ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ તેમની એરલાઇન કંપની અકાસા એર માટે 72 બોઇંગ એરોપ્લેનનો ઓર્ડર આપ્યો છે. અકાસા એર અને બોઇંગ દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદન અનુસાર, કંપનીએ 737 MAX જેટના 72 એરક્રાફ્ટ ઓર્ડર આપ્યા છે. તેમાં 2 વેરિઅન્ટ્સ 737-8 અને હાયર-એન્ડ 737-8-200નો સમાવેશ થાય છે.

 તાજેતરમાં, અકાસા એરલાઇનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, નવી એરલાઇન દ્વારા ભારતના વધુને વધુ લોકોને હવાઈ મુસાફરી કરાવવાનું લક્ષ્ય છે.

બોઇંગનું કહેવું છે કે અકાસા એરલાઇન માટે એર ઓપરેટિંગ પરમિટ મેળવવા અને વ્યાપારી સેવા શરૂ કરવા માટે પ્રથમ ડિલિવરી 2022 સુધીમાં શરૂ થઈ શકે છે.

અકાસા એરની માલિકીની કંપની SNV એવિએશને ગયા મહિને એક નિવેદન જાહેર કર્યું હતું કે, તે જૂન-2022થી ઉડાન ભરવાની તૈયારી કરી રહી છે. પ્રારંભિક મંજૂરી મળ્યા પછી, દેશમાં સૌથી ઓછી કિંમતની એરલાઇન શરૂ કરવામાં આવશે. કંપની તેને અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર તરીકે રજૂ કરશે.

અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર એ સસ્તી હવાઈ સેવાનો વિકલ્પ છે. તે એક રીતે ‘નો ફ્રિલ્સ એરલાઈન્સ’ છે, એટલે કે આવી ફ્લાઇટ સર્વિસ, જેમાં મુસાફરોને માત્ર આવશ્યક સુવિધાઓ જ આપવામાં આવે છે અને ટિકિટ સસ્તી હોય છે. વધારાની સેવા માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.

આમાં વિમાનમાં એક – એક ઈંચ જગ્યાની કિંમત હોય છે.  જાહેરાતના આધારે ખર્ચ કાઢીને ભાડું ઓછું લેવામાં આવે છે. ફોલ્ડેબલ સીટ બેક ટ્રે, પેપર કપ, ફૂડ પેકેજીંગ વગેરે પર જાહેરાતો હોય છે. આ અંતર્ગત વિમાનમાં ઈન-ફ્લાઇટ એન્ટરટેઈનમેન્ટ, ફૂડ અને બિઝનેસ ક્લાસ સીટીંગ જેવી સુવિધાઓ પર ખર્ચ કરવામાં આવતો નથી

(12:19 am IST)