Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ચીનની ગુફામાં ચામાચિડિયાએ વૈજ્ઞાનિકોને કરડી ખાધા હતા

ટી શર્ટ પહેરીને નમૂના એકઠા કરી રહ્યા હતા : વીડિયોમાં એ પણ દેખાય છે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકો ચામાચિડિયાના નમૂના લેતા હતા

નવી દિલ્હી,તા.૧૭ : કોરોના વાયરસના સ્ત્રોતની તપાસ કરવા માટે વુહાન પહોંચેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમે કોઈ મોટો ખુલાસો કર્યો હોવાનું રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે. વુહાન લેબમાં વૈજ્ઞાનિકોએ માન્યું કે રહસ્યમય ગુફાઓમાંથી ચામચિડિયાના નમૂના લેતી વખતે તેમને ચામાચિડિયાએ કરડી લીધું હતું. માનવામાં આવે છે કે આ ચીની ગુફાઓ કોરોના વાયરસથી સંક્રમિત ચામાચિડિયાઓનું ઘર છે. ચીનની સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર લગભગ બે વર્ષ પહેલા દર્શાવેલા વીડિયોમાં ચીની વૈજ્ઞાનિકોને ચામાચિડિયાએ કરડી ખાધું હોવાની વાત સ્વીકારી છે. આ વીડિયોમાં એ પણ દેખાય છે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકો ચામાચિડિયાના નમૂના લેતા હતા ત્યારે બેદરકારીના કારણે તેઓ ચામાચિડિયાના શિકાર બન્યા હતા. વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પર સુરક્ષાની દ્રષ્ટિએ બેદરકારી દાખવવામાં આવી હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે.

          તાઈવાન ન્યૂઝના રિપોર્ટ મુજબ હવે ૨૯ ડિસેમ્બર ૨૦૧૭નો સીસીટીવી વીડિયોમાં ચીની લેબમાં બેદરકારી દાખવવામાં આવી હોવાના કથિત પૂરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને ચીનની બેટ વુમન કહેવાતી વૈજ્ઞાનિક શી ઝોંગલી અને તેમની ટીમ સાર્સ ઓરિજિનની તપાસ કરતા દેખાયા હતા. વૈજ્ઞાનિકો ગુફામાં ચમાચિડિયાને પકડવામાં બેદરકારી દર્શાવી હતી. જેના કારણે વૈજ્ઞાનિકોને ચામાચિડિયાએ બચકું ભર્યું હતું. રિપોર્ટ્સમાં વૈજ્ઞાનિકોએ આ વીડિયોમાં વાત સ્વીકારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આ સાથે જ્યાં ચામાચિડિયાએ કરડ્યું છે તે ભાગ પણ દર્શાવવામાં આવે છે. ટીમના સભ્યો ચામાચિડિયાના સંક્રમિત મળને શોર્ટ્સ અને ટીશર્ટ પહેરીને એકઠું કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પીપીઈ કિટ પણ નથી પહેરી. વુહાન લેબના રિસર્ચરે કહ્યું, ચામાચિડિયાના ઝેરી દાંત મારા રબરના મોજામાં ઘૂસી ગયા અને એવું લાગ્યું જાણે મારા હાથમાં સોય ઘૂસી હોય. લેબમાં પણ વૈજ્ઞાનિકો મોજા વગર કામ કરતા દેખાયા. ડબલ્યુએચઓ દ્વારા આવી લેબમાં પીપીઈ કિટને જરુરી ગણાવાઈ છે. હાલ ડબલ્યુએચઓની ટીમ કોરોનાના સ્ત્રોતને શોધવા માટે ચીનમાં છે.

(7:34 pm IST)