Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક કરનાર પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ:કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે

યુપી ચૂંટણીમાં જેને ટીકીટ નથી મળવાની એવા જ લોકોએ પાર્ટી છોડી, એનાથી કોઈ ફરક નહિ પડે

અમદાવાદ :કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી રામદાસ અઠાવલેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.એમણે મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દિર્ઘદ્રષ્ટીને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ છે.પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતા નગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિક આદિવાસી સમાજને પણ સિધી રોજગારી મળી છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે પંજાબમાં બનેલી ઘટનાની નિંદા કરી હતી. એમણે જણાવ્યું હતું કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક કરનાર પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ.પંજાબના જે પોલીસ અધિકારીએ પોતાની જવાબદારી નિભાવી નથી એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો.ઉત્તર પ્રદેશની ચૂંટણી મુદ્દે જણાવ્યું હતું કે જેને ટીકીટ નથી મળવાની અને જે લોકો બહારથી ભાજપમાં આવ્યા હતા એવા જ લોકો પાર્ટી છોડી રહ્યા છે, એનાથી ચૂંટણી પરિણામ પર કોઈ અસર નહિ પડે.ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર પૂર્ણ બહુમતથી જીત મેળવશે.

રામદાસ અઠાવલેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

(12:00 am IST)