Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨,૭૧,૨૦૨ નવા કેસ નોંધાયા

સક્રિય દર્દીઓની સંખ્યા ૧૫.૫૦ લાખને પાર : મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૮૬ હજાર ૬૬ થઈ ગઈ છે : ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૫ : દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીની સ્પીડ રોકાવાનું નામ લઈ રહી નથી. દિવસેને દિવસે આંકડો બેકાબૂ બની રહ્યો છે. જ્યારે, કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨,૭૧,૨૦૨ નવા કેસ નોંધાયા છે અને ૩૧૪ લોકોના મોત થયા છે. જ્યારે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના અત્યાર સુધીમાં ૭ હજાર ૭૪૩ કેસ નોંધાયા છે. મોટી વાત એ છે કે દેશમાં ગઈકાલ કરતાં ૨,૩૬૯ વધુ કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે કોરોના વાયરસના ૨,૬૮,૮૩૩ કેસ નોંધાયા હતા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૫ લાખ ૫૦ હજાર ૩૭૭ થઈ ગઈ છે. જ્યારે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૮૬ હજાર ૬૬ થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે એક લાખ ૩૮ હજાર ૩૩૧ લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં ૩ કરોડ ૫૦ લાખ ૮૫ હજાર ૭૨૧ લોકો સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના ૧૫૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૬૬ લાખ ૨૧ હજાર ૩૯૫ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૫૬ કરોડ ૭૬ લાખ ૧૫ હજાર ૪૫૪ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૭ હજાર ૭૪૩ લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ આર્થિક સ્થિતિ તેમજ સંભાવના (WESP) ૨૦૨૨ રિપોર્ટમાં કહ્યું છે કે, કોવિડ-૧૯ના અત્યંત ચેપી ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણની નવી લહેરના કારણે મૃતકોની સંખ્યા અને આર્થિક નુકસાનમાં ફરીથી વધારો થવાનું અનુમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, 'ભારતમાં ડેલ્ટાના સંક્રમણની એક ઘાતક લહેરે એપ્રિલ અને જૂન વચ્ચે ૨,૪૦,૦૦૦ લોકોનો જીવ લીધો અને આર્થિક વિકાસ અવરાધાયો હતો. નજીકના સમયમાં આ જ પ્રકારની સ્થિતિ આવી શકે છે.લ્લ

(12:00 am IST)