Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જીટીયુના સ્ટાર્ટઅપને પ્રધાનમંત્રીની સ્ટાર્ટઅપની ચર્ચામાં સ્થાન જીટીયુના પ્રો. ડૉ. સંજય ચૌહાણના સ્ટાર્ટઅપ સ્પેરો હેલ્થને ચર્ચામાં સ્થાન પ્રાપ્ત

અમદાવાદ ;સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં દેશના યુવાનો સવિશેષ પ્રમાણમાં કાર્યરત થાય તે હેતુસર મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા વર્ષ 2021ના નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક સ્ટાર્ટઅપકર્તાઓ સાથે ઇનોવેશનને વેગ મળી રહે તે માટે ચર્ચા કરી હતી.

ઉપરાંત 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ)‌ ફાર્મસી વિભાગના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણના સ્ટાર્ટઅપ સ્પેરો હેલ્થને પણ ચર્ચામાં સ્થાન પ્રાપ્ત થયું હતું. તેમના દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી હેમ્પોઈન નામની કેપ્સુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના વિકાસથી આત્મનિર્ભર ભારત અભિયાન વેગવંતુ બનશે. જીટીયુ‌ સ્ટાર્ટઅપ કર્તાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સતત કાર્યરત રહેશે.

પ્રો. સંજય ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, આ દવા માનવ શરીરમાં કોઈ પણ પ્રકારના વાઇરસને પ્રવેશતા અટકાવે છે.‌ માનવ શરીરના કોષોમાં કોઈ પણ ‌પ્રકારના વાયરસની વૃદ્ધિ થતાં પણ અટકાવે છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતો હોવાથી કોરોના જેવા વાયરસ સામે લડવા માટે આ દવા અસરકારક નીવડી શકે છે. હાથલીયા થોરના ફળમાંથી હેમ્પોઈન નામની દવાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, આ પ્રકારના એકેડમીક રિસર્ચ આગામી દિવસોમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જીટીયુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાથલીયા થોરમાંથી આ દવાનું નિર્માણ થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ આ પ્રકારના હાથલીયા થોરનું વાવેતર કરાવીને ખેડૂતોને આર્થિક રીતે પણ મદદરૂપ થ‌ઈ શકાય છે.

(9:43 am IST)